NATIONAL
કોંકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ આંદોલનની જાહેરાત કરવામાં આવી
દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પોતાની પ્રથમ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી

કોંકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા NEET-UG પેપર લીક અને શિક્ષણ વિભાગની કથિત નિષ્ફળતાઓના વિરોધમાં આગામી 6 જૂન 2026ના રોજ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર માત્ર 15 દિવસ પહેલા વ્યંગાત્મક રીતે શરૂ થયેલી આ ડિજિટલ મૂવમેન્ટે રસ્તા પર ઉતરીને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પાર્ટીના સ્થાપક અને યુએસ-સ્થિત અભિજીત દીપકે 6 જૂનની સવારે ભારત પરત ફરીને આ આંદોલનનું નેતૃત્વ સંભાળશે. આ આંદોલનનો મુખ્ય હેતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરવાનો છે.
કોંકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પોતાની પ્રથમ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને 6 જૂનના આંદોલનની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરી છે.
- એરપોર્ટ પર એકત્રીકરણ: સીજેપીના સ્થાપક અભિજીત દીપકે 6 જૂનની સવારે 8:00 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. તેમણે દેશભરના યુવાનો અને સમર્થકોને એરપોર્ટ પર એકત્રિત થવા માટે આહ્વાન કર્યું છે.
- પોલીસ પરવાનગીની પ્રક્રિયા: એરપોર્ટ પરથી અભિજીત દીપકે અને તેમના સમર્થકો સીધા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે. તેઓ જંતર-મંતર પર શાંતિપૂર્ણ ધરણા યોજવા માટે કાયદેસરની પરવાનગી માંગશે.
- પાર્ટી બેનર વગરનું ઓપન આંદોલન: કોંકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ એક પક્ષનો રાજકીય પ્રચાર નથી. તેમણે દેશની તમામ રાજકીય વિચારધારા ધરાવતા લોકોને, વિદ્યાર્થી સંગઠનોને અને સામાન્ય નાગરિકોને કોઈપણ પક્ષના સત્તાવાર બેનર વિના આ દેશવ્યાપી મુદ્દા પર જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.
આ આંદોલન માત્ર સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી, પરંતુ ભારતના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલી ગંભીર બાબતો પર આધારિત છે.
- NEET-UG પેપર લીક કૌભાંડ: દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાયેલી NEET-UG પરીક્ષાના પેપર લીક થવાના આક્ષેપો અને ત્યાર બાદ સરકારે પરીક્ષા રદ કરવી પડી તેના કારણે આશરે 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. CJP આ આખી પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર સામે કડક પગલાંની માંગ કરી રહી છે.
- શિક્ષણ મંત્રીનું રાજીનામું: સંગઠનનું કહેવું છે કે આટલી મોટી લાપરવાહી બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પદ પર યથાવત છે, જે દર્શાવે છે કે સિસ્ટમમાં કોઈ જવાબદારી (Accountability) બચી નથી.
- CBSE સ્ક્રિન માર્કિંગ વિવાદ: ધોરણ 12ની પરીક્ષાઓમાં સીબીએસઈના નવા ઓન-સ્ક્રીન માર્કિંગ ઇવેલ્યુએશન સિસ્ટમમાં ગંભીર ખામીઓ સામે આવી છે. સરકારે સીબીએસઈના ચેરમેન અને સેક્રેટરીની બદલી કરી છે, જેને સંગઠને માત્ર એક ‘આઈવોશ’ (દેખાવ) ગણાવ્યો છે.
- JEE એડવાન્સ્ડ ડેટા લીક: હાલમાં જ JEE (Advanced) 2026ના ઉમેદવારોના પરિણામ પોર્ટલ પર ડેટા એક્સપોઝ થવાની ઘટના સામે આવી છે, જેને સંગઠને દેશની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિષ્ફળતા ગણાવી છે.
આ આંદોલનની પૃષ્ઠભૂમિ ખૂબ જ રસપ્રદ છે. સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન કથિત રીતે બેરોજગાર યુવાનો અને કાર્યકરો માટે ‘કોંકરોચ’ (વંદો) અને ‘પરજીવી’ જેવા શબ્દોનો પ્રયોગ થયો હતો. જો કે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી.
પરંતુ, ઇન્ટરનેટના યુવાનોએ આ શબ્દને એક રાજકીય પ્રતીક તરીકે અપનાવી લીધો. બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અભિજીત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર ‘કોંકરોચ જનતા પાર્ટી’ નામે એક વ્યંગાત્મક પેજ શરૂ કર્યું. માત્ર 15 દિવસની અંદર આ પેજે ઈન્સ્ટાગ્રામ પર 2.2 કરોડ (22 મિલિયન)થી વધુ ફોલોઅર્સ મેળવીને ભાજપના સત્તાવાર પેજને પણ પાછળ છોડી દીધું છે. પક્ષે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરીને પોતાને “સેક્યુલર, સોશિયલિસ્ટ, ડેમોક્રેટિક અને લેઝી” (આળસુ) તરીકે ઓળખાવ્યો છે.
મીડિયામાં એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે 6 જૂનનું આંદોલન હિંસક રૂપ ધારણ કરી શકે છે અથવા દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.
આ અંગે સ્પષ્ટતા કરતા સંગઠનના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું છે કે, “કેટલાક આઈટી સેલ (IT Cells) દ્વારા આંદોલનને બદનામ કરવા માટે હિંસાની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમારું આંદોલન સંપૂર્ણપણે મહાત્મા ગાંધી, ડૉ. બી.આર. આંબેડકર અને ભગતસિંહના બંધારણીય માર્ગો પર આધારિત અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે. અમે દિલ્હી પોલીસને અપીલ કરીએ છીએ કે આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક પગલાં લે”.
6 જૂનના આ આંદોલન સામે સૌથી મોટો ટેકનિકલ પડકાર એ છે કે, દિલ્હી પોલીસના નિયમો મુજબ કોઈપણ જાહેર વિરોધ પ્રદર્શન માટે 7 દિવસ અગાઉ પરવાનગી લેવી જરૂરી હોય છે, જ્યારે અભિજીત દીપકે 6 જૂનની સવારે જ રૂબરૂ પરવાનગી માંગવાના છે.
સમગ્ર દેશની નજર હવે 6 જૂન પર ટકેલી છે. ડિજિટલ દુનિયામાં લાખો-કરોડો ફોલોઅર્સ મેળવનારી આ ‘વર્ચ્યુઅલ સેના’ વાસ્તવિક મેદાન પર કેટલી ભીડ એકત્રિત કરી શકે છે અને સરકાર પર દબાણ લાવવામાં કેટલી સફળ થાય છે, તે જોવું રસપ્રદ રહેશે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને યુવાનોની રોજગારી માટે આ આંદોલન ભારતીય રાજનીતિમાં એક નવો વળાંક સાબિત થઈ શકે છે.
આ આંદોલનને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ દેશના મોટા સામાજિક કાર્યકરો અને રાજકીય પક્ષોનો પણ ટેકો મળી રહ્યો છે:
- સોનમ વાંગચુક: લદ્દાખના પ્રખ્યાત પર્યાવરણવાદી સોનમ વાંગચુકે પોતાને ‘માનદ કોંકરોચ’ (Honorary Cockroach) ગણાવીને વિદ્યાર્થીઓના સમર્થનમાં 6 જૂનના જંતર-મંતર આંદોલનમાં પ્રત્યક્ષ જોડાવાની જાહેરાત કરી છે.
- અન્ના હજારે: વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પણ જણાવ્યું છે કે ‘યુવા શક્તિ એ જ રાષ્ટ્ર શક્તિ છે’ અને સરકારે યુવાનોના આ અવાજને દબાવવાને બદલે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ.
- રાજકીય પક્ષો: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મમતા બેનર્જી, અભિષેક બેનર્જી અને સાંસદ મહુઆ મોઇત્રા તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ ચળવળને વિદ્યાર્થીઓના સાચા આક્રોશનું પ્રતીક ગણાવીને ટેકો જાહેર કર્યો છે.



