MORBI:મોરબીને હરિયાળું બનાવવા ૫ લાખ વૃક્ષારોપણનો મહાઅભિયાન શરૂ







MORBI:મોરબીને હરિયાળું બનાવવા ૫ લાખ વૃક્ષારોપણનો મહાઅભિયાન શરૂ


મોરબી, તા. ૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં શહેરભરમાં અંદાજે ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ અભિયાનના પ્રથમ તબક્કામાં આજે પંચાસર સ્થિત એસ.ટી.પી. (STP) કેમ્પસ ખાતે ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગામી દિવસ દરમિયાન સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ વાવવામાં આવેલા વૃક્ષોનું યોગ્ય સંરક્ષણ અને જતન થાય તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.મોરબી મહાનગરપાલિકાએ આ મહાઅભિયાન માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વૃક્ષારોપણ સાથે તેના ઉછેર અને સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે જેથી મોરબીને વધુ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવી શકાય.આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી એ જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનથી પ્રેરાઈને અમે મોરબીવાસીઓ સંકલ્પ કરીએ છીએ કે વધુમાં વધુ વૃક્ષો વાવીશું અને તેનું નિયમિત જતન કરીશું. આવનારા દિવસોમાં મોરબીને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણલક્ષી શહેર બનાવવામાં સૌના સહયોગથી સફળતા પ્રાપ્ત કરીશું.”મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઉદ્યોગકારોને પણ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો છે.



