MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના ૧૩૨ નિવૃત્ત શિક્ષકો માટે ‘ઘરઆંગણે સન્માન સમારોહ’ યોજાયો: નિવૃત્તિ બાદ તુરંત જ અપાયા તમામ નાણાકીય લાભો

મહીસાગર જિલ્લાના ૧૩૨ નિવૃત્ત શિક્ષકો માટે ‘ઘરઆંગણે સન્માન સમારોહ’ યોજાયો: નિવૃત્તિ બાદ તુરંત જ અપાયા તમામ નાણાકીય લાભો

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રેરણાદાયી પહેલ
*

 


સરકાર શ્રી ની મિનિમમ ટ્રાવેલિંગ ની ગાઈડ લાઈન ને અનુસરતા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકાઓમાં એકસાથે શિક્ષકોનું બહુમાન કરી સેવા વિષયક લાભો એનાયત કરાયા

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી નિવૃત્ત થતા શિક્ષકોના સન્માન માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતેથી આજે ‘ઘરઆંગણે નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૩૧ મે ૨૦૨૬ ના રોજ વયનિવૃત્ત થયેલા કુલ ૧૩૨ શિક્ષકોને નિવૃત્તિના તુરંત બાદ કોઈ પણ વિલંબ વગર તમામ સેવાકીય લાભો સ્થળ પર જ એનાયત કરીને એક નવીન પ્રથા સ્થાપિત કરવામાં આવી છે. નિવૃત્ત થતા શિક્ષકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુંવાર, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે. એન. જહા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કક્ષાએ લુણાવાડા તાલુકાના ૨૧ શિક્ષકોને પ્રત્યક્ષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિવૃત્ત કર્મયોગીઓને નિવૃત્તિના તમામ લાભો જેવા કે પી.પી.ઓ. (PPO), ફોર્મ નંબર-૨૨ અને જી.પી.એફ. (GPF) આખરી ઉપાડના હુકમો એકસાથે અર્પણ કરવામાં આવ્યા હતા. સત્તાધીશોએ નિવૃત્ત શિક્ષકોની સેવાની સરાહના કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર જિલ્લાને આવરી લેતા આ કાર્યક્રમનું પ્રસારણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સીધા જોડાયા હતા. સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ૪૯ શિક્ષકો, બાલાસિનોર ખાતે ૧૫ શિક્ષકો અને લુણાવાડામાં ધારાસભ્ય મા. ગુલાબસિંહ ચૌહાણની હાજરીમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિરપુરના ૧૪, ખાનપુરના ૧૦ અને કડાણાના ૧૫ શિક્ષકોને જે તે તાલુકા મથકે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, ટી.ડી.ઓ. અને ટી.પી.ઈ.ઓ. સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં સન્માનિત કરી સેવાકીય લાભો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. વહીવટી તંત્રની આ કાર્યક્ષમતાને કારણે શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી હતી, કારણ કે સામાન્ય રીતે નિવૃત્તિના લાભો મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ મહીસાગર જિલ્લામાં આ પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનાવી ‘ઘરઆંગણે’ ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી જિલ્લાના તમામ તાલુકાના નિવૃત્ત શિક્ષકોએ એકસાથે ડિજિટલ માધ્યમથી જોડાઈને પોતાની ગરિમાપૂર્ણ નિવૃત્તિના વધામણા કર્યા હતા.

Back to top button
error: Content is protected !!