AHAVADANG

ડાંગ જિલ્લા સબ જેલમાંથી બે આરોપી પેટમાં દુખાવાનો બહાનો કરી ધક્કો મારી ફરાર થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સબ જેલમાંથી પોસ્કો (POCSO) અને હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બે પાકા અને કાચા કામના આરોપીઓ જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવી ફરાર થઈ જતાં સમગ્ર પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા અને ગાર્ડની સતર્કતા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.મળતી માહિતી મુજબ, ગુરુવારની રાત્રે આહવા સબ જેલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેલમાં બંધ રહેલા પોસ્કો કેસના આરોપી ગિરીશ બાગુલે અચાનક પેટમાં અસહ્ય દુઃખાવો થવાનું નાટક કર્યું હતું અને બહાનું કાઢી જેલના ગાર્ડ પાસે બેરેકનું તાળું ખોલાવ્યું હતું. આ તકનો ગેરલાભ ઉઠાવી ગિરીશ બાગુલની સાથે હત્યાના ગુનામાં સંડોવાયેલો અન્ય આરોપી વિજય ધૂમ પણ બેરેકમાંથી બહાર નીકળી આવ્યો હતો. આશ્ચર્યજનક અને ક્ષતિભરી બાબત એ સામે આવી છે કે જેલના મુખ્ય પ્રવેશદ્વાર પર પણ તે સમયે કોઈ તાળું મારેલું ન હતું અને દરવાજો માત્ર આડો કરેલો હતો. આ સુરક્ષા ખામીનો ફાયદો ઉઠાવીને બંને ગંભીર ગુનાના આરોપીઓએ ફરજ પર તૈનાત જેલગાર્ડને જોરદાર ધક્કો માર્યો હતો અને અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.ફરાર થયેલા આરોપીઓ પૈકી ગિરીશ બાગુલ વર્ષ ૨૦૨૩થી પોસ્કોના ગંભીર કેસમાં જેલમાં બંધ હતો, જ્યારે અન્ય આરોપી વિજય ધૂમ વર્ષ ૨૦૨૫થી હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો. આવા રીઢા અને ગંભીર ગુનાના ગુનેગારો આટલી આસાનીથી જેલના મુખ્ય દરવાજેથી ભાગી છૂટે તે જેલ તંત્રની લાપરવાહીની પરાકાષ્ઠા દર્શાવે છે.આ ઘટનાની ગંભીરતાને જોતા સબ જેલના ઇન્ચાર્જ જેલરે તાત્કાલિક આહવા પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ સબ જેલના બે બેરેક ગાર્ડ અને મુખ્ય દરવાજા પર તૈનાત બે જેલગાર્ડ વિરુદ્ધ પણ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ બાબતે ડાંગ જિલ્લાનાં ડીવાયએસપી કૈલાશ ડીમરીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.આ સમગ્ર ચકચારી ઘટના અંગે ડાંગ જિલ્લાના ડીવાયએસપી કૈલાશ ડીમરીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે:”હા, તારીખ ૦૪-૦૬-૨૬ ના રોજ કલાક ૨૨:૩૦ ના અરસામાં આહવા સબ જેલ ખાતે બનાવ બન્યો છે. જેમાં ગિરીશભાઈ બાગુલ જે પોસ્કોનો આરોપી છે તથા વિજયભાઈ ધૂમ જે ખૂનનો આરોપી છે. ગઈ કાલે ૨૨:૩૦ ના અરસામાં આરોપી ગિરીશભાઈને જણાવ્યું કે ‘મારા પેટમાં દુખાવો થાય છે’, જેથી એને લોક-અપથી બહાર કાઢી અને એના સાથે વિજયભાઈ મંગુભાઈ પણ જોડે આવ્યો અને મેઈન દરવાજામાં તાળું લાગેલુ ન હોય જેથી તેઓ આરોપીઓએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે. તે બાબતે ભાગેડુઓને પકડવા માટે ડાંગ જિલ્લામાં અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે, એને પકડવા માટે તજવીજ કરવામાં આવી છે અને સદર ગુનાની તપાસ આહવા પી.આઈ.બારીયા કરી રહ્યા છે.”ડીવાયએસપીના જણાવ્યા અનુસાર, હાલ આહવા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બારીયા આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.ડાંગ જિલ્લાના અલગ-અલગ વિસ્તારો તેમજ સંભવિત આશ્રયસ્થાનો પર પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ ઉપરાંત, જેલ અને તેની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે જેથી નાસી છૂટેલા ભગોડાઓ કઈ દિશામાં ગયા છે તેનો ચોક્કસ સૂરાગ મેળવી શકાય.ડાંગ જેવા શાંત અને સરહદી જિલ્લાની જેલમાંથી આ પ્રકારે કેદીઓ ફરાર થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે એક્શનમાં આવેલી ડાંગ પોલીસ આ ગુનેગારોને કેટલા સમયમાં જેલના સળિયા પાછળ ધકેલે છે..

Back to top button
error: Content is protected !!