Rajkot: “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના” વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજકોટમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન

તા.૫/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવાઓમાં રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મકતા અને વિકાસ પ્રત્યેની જાગૃતિ વધે તેવા હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધા આગામી ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૯:૩૦ કલાકે બાલ ભવન, રાજકોટ ખાતે યોજાશે.
આ સ્પર્ધા દ્વારા દેશના વિકાસ, સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને જનહિતના વિવિધ વિષયો અંગે યુવાઓને પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરવાની અનોખી તક મળશે. સ્પર્ધામાં ૦૬ થી ૧૪ વર્ષ તેમજ ૧૫ થી ૩૫ વર્ષ એમ બે વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકોની વયની ગણતરી ૩૦ જૂન, ૨૦૨૬ની સ્થિતિએ કરવામાં આવશે.
સ્પર્ધા માટે હર ઘર તિરંગા, સ્વચ્છતા હી સેવા, રાજકોટ શહેરની વિકાસગાથા અને ઉપલબ્ધિઓ જેવી કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્સ, અટલ સરોવર વગેરે,વિકસિત ભારત – ૨૦૪૭, વિશ્વ યોગ દિવસ, એક પેડ મા કે નામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન – ૦૩, ઓપરેશન સિંદૂર જેવા વિષયો નક્કી કરવામાં આવ્યા છે. સ્પર્ધકોને ઉપરોક્ત વિષયમાંથી કોઈ એક વિષય પર ૧૨૦ મિનિટની સમયમર્યાદામાં ચિત્ર તૈયાર કરવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓએ આ https://l1nk.dev/6967x7r ગૂગલ ફોર્મ લિંક ઉપર તા. ૧૨ જૂન, ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


