BANASKANTHAPALANPUR

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાવ ખાતેથી ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર

6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પ્રકૃતિનું રક્ષણ એ આપણા પૂર્વજો તરફથી મળેલો સાંસ્કૃતિક વારસો છે, જેનું જતન કરવાની જવાબદારી આજે આપણા સૌના શિરે છે:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર જ્યારે જનતા પોતે જનભાગીદારી દ્વારા પ્રકૃતિના રક્ષણનું બીડું ઝડપે છે, ત્યારે ગમે તેવો સૂકોભઠ્ઠ પ્રદેશ પણ નંદનવનમાં પરિવર્તિત થઈ જાય છે:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર મંત્રીશ્રી અને મહાનુભાવોએ વાવ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરીને નાગરિકોને જનકલ્યાણ શિબિરનો વધુમાં વધુ લાભ લેવા કર્યો અનુરોધ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને જનકલ્યાણકારી ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વાવ – થરાદ જિલ્લામાં તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસ કરવામાં આવશે.આ મહા-અભિયાનના ભાગરૂપે આજરોજ ૫મી જૂન-વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાન હેઠળ ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને વિકસિત ભારત સંકલ્પ અને સરકારશ્રીની સિદ્ધિઓ અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ એ આપણો સાંસ્કૃતિક વારસો છે. વડાપ્રધાનશ્રીનું ‘વિકસિત ભારત-૨૦૪૭’નું સ્વપ્ન હરિત અને સ્વચ્છ ભારત વિના અધૂરું છે. ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન એ માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા અને ધરતી માતા પ્રત્યેની પવિત્ર ફરજનું પ્રતીક છે. મંત્રીશ્રીએ માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહીને, તેનું પૂર્ણ જવાબદારી સાથે જતન અને સંવર્ધન કરવાનો અડગ સંકલ્પ લેવા નાગરિકોને નમ્ર અપીલ કરી હતી. મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે પર્યાવરણની રક્ષાની સાથે ધરતીના સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતર મુક્ત ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવા અને સ્વચ્છતાને રોજિંદી આદત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. વાવ-થરાદ વિસ્તારમાં પર્યાવરણ અને વિકાસના સુમેળ માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સુદ્રઢ આયોજનની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તમામ તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરાશે અને ગ્રામીણ વિસ્તારોમાં ‘રોપા વિતરણ રથ’ ભ્રમણ કરશે. વિકાસની નવી ઊર્જાના સંચાર માટે આગામી ૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં ભવ્ય ‘પ્રગતિપથ યાત્રા’ યોજાશે, જે નડાબેટ સીમા દર્શન, કટાવધામ, ઓગડનાથ થળી, સણાદર બનાસ ડેરી સંકુલ, ઢીમા ધરણીધર પ્રભુ મંદિર, થરાદ આઇકોનીક રોડ અને ભારતમાલા સર્કલ જેવા અદ્ભુત પ્રોજેક્ટ્સની યશગાથા જન-જન સુધી પહોંચાડશે.તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદના, લખપતિ દીદી અને પીએમ સૂર્યઘર મફત વીજળી જેવી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપવા માટે આગામી ૧૨ થી ૨૦ જૂન દરમિયાન થરાદ, ભાભર, વાવ, સુઇગામ, દિયોદર અને લાખણી સહિતના વિવિધ ગામોમાં ‘જનકલ્યાણ શિબિરો’નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી સ્થળ પર જ પારદર્શી નોંધણી કરાશે.મંત્રીશ્રીએ આગામી ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ એ.પી.એમ.સી. હૉલ, થરાદ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) અને ૨૧મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીમાં બહોળી સંખ્યામાં ભાગ લઈ વિકસિત ભારતના નિર્માણમાં મહામૂલું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રી આર.કે.દેસાઈએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા આ વિસ્તારને હરિયાળો બનાવવા માટે ૧૨.૫૦ લાખ જેટલા રોપા ઉછેરવામાં આવ્યા છે, જેને જનભાગીદારી થકી વાવવામાં આવશે.આ ગરિમામય અવસરે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામસિંગજી રાજપૂત, શ્રી જગદીશ ચૌધરી, એ.પી.એમ.સી ચેરમેન શ્રી નાગજીભાઈ પટેલ, શ્રી મહાદેવભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ઉમેદદાનજી ગઢવી, શ્રી કમલેશભાઈ પુરોહિત, ડૉ. કરશનભાઈ પટેલ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!