HALVAD:હળવદ નજીક ગોઝારો અકસ્માત: એક જ ગામના તાલુકા પંચાયત સદસ્ય સહિત 5ના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી







HALVAD:હળવદ નજીક ગોઝારો અકસ્માત: એક જ ગામના તાલુકા પંચાયત સદસ્ય સહિત 5ના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી


હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે એક અત્યંત ગમખ્વાર અને ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયત સદસ્ય સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક અકસ્માત બાદ સર્જાયો બીજો મોટો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, રણછોડગઢ ગામના દિલીપભાઈ ભગવાનભાઈ ડહૈયાનો ૨૪ વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરી રહ્યો હતો, ત્યારે માનસર નજીક તેનું બાઈક સ્લિપ થતાં તે ઘાયલ થયો હતો. આ અકસ્માતની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય પાંચ આગેવાનો તાત્કાલિક કીયા (Kia) કાર લઈને હળવદ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઇજાગ્રસ્ત પરેશને વધુ સારવાર માટે કારમાં બેસાડીને આ તમામ સાતેય લોકો મોરબી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા હાઈવે પર તેમની કાર આગળ જતાં એક ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો એક જ ગામના વતની છે:
મૃતકોના નામ:પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢેયા (તાલુકા પંચાયત સદસ્ય, હળવદ) સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર ૪૫ વર્ષ) વિરમ ભીમાભાઈ ડઢયા (ઉંમર ૨૮ વર્ષ) પરેશ દિલીપભાઈ ડઢેયા (ઉંમર ૨૪ વર્ષ – જેનું બાઈક સ્લિપ થયું હતું) ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢેયા
ઈજાગ્રસ્તોના નામ:પ્રકાશ અમીરભાઈ ડહૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત) દિલીપભાઈ ભગવાનભાઈ ડહૈયા (મૃતક પરેશના પિતા) ઠાકોર સમાજ સહિત રણછોડગઢ ગામમાં માતમ “નાના એવા રણછોડગઢ ગામના પાંચ-પાંચ આશાસ્પદ સભ્યોના અકસ્માતમાં એકસાથે મોત થતાં સમગ્ર ઠાકોર સમાજ અને પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.”
ઘટનાની જાણ થતાં જ ઠાકોર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સગા-સંબંધીઓના હૃદયદ્રાવક રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



