
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં સાચા અર્થમાં ‘જન કલ્યાણ’: વતનપ્રેમી અનામી સ્ત્રી દાતાની અદ્ભૂત ‘છાશ સેવા’
મુંદરા, તા. ૬ જૂન :
આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં નાની અમથી સેવા કરીને પણ મોટી પ્રસિદ્ધિ મેળવવાનો અને સન્માન સ્વીકારવાનો રાફડો ફાટ્યો છે ત્યારે ભારતના ઔદ્યોગિક હબ ગણાતા મુંદરાની ધરતી પર સાચા અર્થમાં ‘ગુપ્ત દાન’ અને નિઃસ્વાર્થ લોકસેવાના દર્શન કરાવતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કોઈ પણ જાતના દેખાડા કે બોર્ડ-બેનર વિના ધોમધખતા તાપમાં રાહદારીઓ અને દર્દીઓની આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય મુંદરાના માર્ગો પર ધમધમતું જોવા મળ્યું.
પરંપરાથી પ્રવાહી સુધીનો ઇતિહાસ:
આ ભગીરથ કાર્ય પાછળ મુંદરાનો ચાર દાયકા જૂનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ૪૦ વર્ષ પહેલાં મુંદરા તાલુકામાં જૈન સમાજની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં હતી. જે તે સમયે સેવાભાવી જૈન અગ્રણીઓ દ્વારા ગામોમાં પાંજરાપોળ અને દેરાસરો જેવી સગવડો ઉભી કરાતી જ્યાં ગાયોના દૂધનું વ્યાજબી ભાવે વિતરણ થતું. આ પ્રક્રિયામાં વધેલા દૂધનું દહીં બનાવી સવારે વલોવીને તેમાંથી આયુર્વેદિક દૃષ્ટિએ અમૂલ્ય એવું માખણ તારવી લેવામાં આવતું. માખણમાંથી બનતું ઘી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી સારું કોલેસ્ટ્રોલ વધારે છે જેના જાણકારો આજે પણ ડબલ ભાવ (રૂ. ૧૨૦૦ થી ૧૬૦૦) આપીને આ માખણનું ઘી ખરીદે છે. પરંતુ માખણ તારવ્યા બાદ જે પ્રવાહી વધતું—એટલે કે ‘છાશ’, તે ઉનાળામાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે અમૃત સમાન બની જતું. ભૂતકાળમાં જૈન અગ્રણીઓ દ્વારા સેવા ભાવના ઉદ્દેશથી સવારે એકાદ કલાક માટે લાઈનમાં બરણી લઈને આવતા તમામને આ છાશ મફતમાં વહેંચાતી જે સ્થળનું નામ સામાન્ય રીતે ‘જન કલ્યાણ’ રહેતું. આજે પણ મુંદરાના અમુક ગામડાઓમાં વસ્તુનું મૂલ્ય સમજાય તે માટે મફત આપવાને બદલે વ્યાજબી ભાવે છાશ વિતરણ કરવાની પરંપરા આજે પણ જીવંત છે.
વર્તમાન સમયની અનામી સેવાને સલામ:
ભૂતકાળની આ ભવ્ય પરંપરા આજે ફરી એકવાર મુંદરાના હાર્દ સમાન માર્ગો પર જીવંત થતી જોવા મળી. એસ.ટી. ડેપોથી જુના બંદર (અદાણી પોર્ટ) રોડ પર આવેલા સરકારી દવાખાને જતા માર્ગ પર શાસ્ત્રી મેદાન (ગધ્ધાસર)ની બિલકુલ સામે અને શેઠ આર. ડી. હાઈસ્કૂલના કોર્નર પર આવેલા લીમડાના ઝાડના શીતળ છાયામાં એક અદભુત દ્રશ્ય જોવા મળે છે. બપોરના બરાબર ૧૨ વાગ્યે જ્યારે સૂર્ય આકાશમાંથી અગનગોળા વરસાવતો હોય છે ત્યારે સેવાભાવી યુવકો દ્વારા સરકારી હોસ્પિટલે આવતા-જતા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તથા અદાણી પોર્ટ રોડ પરથી પસાર થતા શ્રમિકો અને વાહનચાલકોને સાદ પાડીને વાહનો ઊભા રખાવીને પ્રેમપૂર્વક ઠંડી-અમૃત જેવી છાશ પીવડાવવામાં આવે છે.
દેશ-વિદેશની સરહદો ઓળંગતો વતન પ્રેમ:
આ આયોજનના સ્થળે નજરે જોતા કોઈપણ દાતાનું નામ, ફોટો કે પ્રચારનું બોર્ડ જોવા મળયું નહીં. સ્થાનિકે ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ મુંદરાના વતની અને હાલ ધંધાર્થે ભારત બહાર (વિદેશમાં) સ્થાયી થયેલા એક પરગજુ સ્ત્રી દાતા દ્વારા આ સમગ્ર સેવાનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે પણ નામ જાહેર ન કરવાની શરતે પવિત્ર અધિક (પુરુષોત્તમ) માસ નિમિત્તે દરરોજ ૧૦૦ લીટર જેટલી શુદ્ધ અને ઠંડી છાશનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી આપી છે.
આજે જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક સંકટો ચાલી રહ્યા છે ત્યારે વિદેશની ધરતી પર રહીને પણ પોતાના વતનના અનામી લોકોની તરસ છિપાવી ઠંડક પહોંચાડવાની આ ભાવના ખરેખર વંદન કરવા યોગ્ય છે. ઉદ્યોગોના હબ ગણાતા મુંદરામાં જ્યાં કચરો પણ વજનમાં વેચાય છે ત્યાં પ્રચાર – પ્રસાર વગરની આ નિઃસ્વાર્થ સેવા સાચા અર્થમાં ‘જન કલ્યાણ’ના નામને સાર્થક કરે છે. આ અનામી નારી શક્તિ અને તેમના સેવાભાવને મુંદરાની જનતા વતી દિલથી સલામ.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


