તુમડાવાડી ગામે શિક્ષણનું બીજ રોપતા નિવૃત્ત શિક્ષક હરિલાલ વસાવા

તુમડાવાડી ગામે શિક્ષણનું બીજ રોપતા નિવૃત્ત શિક્ષક હરિલાલ વસાવા

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નર્મદા, તા. 6 જૂન: નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના અંતરિયાળ અને ગાઢ જંગલ વિસ્તાર વચ્ચે આવેલ તુમડાવાળી ગામ આજે વિકાસ અને જાગૃતિના પ્રયાસોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશ વસાવા દ્વારા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હવે શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ નિવૃત્ત શિક્ષક હરિલાલ જી. વસાવા દ્વારા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક નિર્માણકાર્યના સભ્ય રહી ચૂકેલા હરિલાલ વસાવા ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પરિવહનની મર્યાદિત સુવિધાઓ ધરાવતા આ દૂરના ગામ સુધી પહોંચી તેમણે બાળકો અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
હરિલાલ વસાવાએ જણાવ્યું કે ગામની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના બાળકોનું વાંચન અને લેખન કૌશલ્ય અતિશય નબળું છે. તેથી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણની તાત્કાલિક જરૂર છે. બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે તેમણે વિશેષ અભિયાન હાથ ધર્યું છે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હરિલાલ વસાવાએ આશરે 35 બાળકોને સાથે રાખીને ગામમાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી છે. આ નવી શાળાનું નામ “મા ધરતી પ્રાથમિક શાળા, તુમડાવાળી” રાખવામાં આવ્યું છે. શાળાના માધ્યમથી બાળકોને મૂળભૂત શિક્ષણ, વાંચન-લેખન અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે હરિલાલ વસાવાએ શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે તુમડાવાળી જેવા અંતરિયાળ વિસ્તારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૂરતી શૈક્ષણિક સુવિધાઓ અને જરૂરી શિક્ષક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે.
તુમડાવાડી ગામમાં શરૂ થયેલી આ પહેલ માત્ર શિક્ષણનો પ્રારંભ નથી, પરંતુ ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોપાયેલું એક મહત્વપૂર્ણ બીજ છે.


