IDARSABARKANTHA

પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક યોજાઈ

પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક યોજાઈ

સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનુ પ્રતિનિધિત્વ કરતી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક આજે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી બેઠકમા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનને લગતા વિવિધ પ્રશ્નો તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સંસ્થાના હોદ્દેદાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડૉ.બાબા સાહેબ આંબેડકરના ફોટોને ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.
ટ્રસ્ટના પ્રમુખ અને બેઠકના આયોજક રમેશ સોલંકી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામા આવી હતી. ઉપસ્થિત કારોબારી સભ્યો અને હોદ્દેદારોનુ પાટણના પટોળાના પ્રતિકરૂપ ખેસ અને પાટણની પ્રસિદ્ધ દેવડા મીઠાઈ આપી સન્માન કરવામા આવ્યુ હતુ

આ પ્રસંગે આકાશવાણીના ડે. ડાયરેક્ટર પદેથી નિવૃત્ત અને ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણી દ્વારા મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર ઉત્તમ કાંબળેના મરાઠી પુસ્તક ‘અગ્નિપથ’ના પોતાના ગુજરાતી અનુવાદની નકલ ઉપસ્થિત સભ્યોને ભેટરૂપે આપવામા આવી હતી.
અજાજ મીડિયા ટ્રસ્ટના પૂર્વ હોદ્દેદાર અને પાટણ યુનિવર્સિટી ખાતે અધિકારીની ફરજ બજાવતા તેમજ પાટણ નગરપાલિકામા આ વર્ષે સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ રાજેશ ઝાલાનુ સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ

બેઠકમા ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા, પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમાર, મહામંત્રી ભરત દેવમણી, ઉપપ્રમુખ ડૉ. પ્રવીણ સોલંકી, બાબુભાઈ મેસરવાળા, જયેશ વેગડા, નિવૃત્ત અધિકારી પી.બી. શ્રીમાળી, પૂર્વ પ્રમુખ દિનેશ પરમાર, જયંતી માંડલિક, શૈલેષ પરમાર, રાજેશ ઝાલા સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પત્રકારો તેમજ કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ટ્રસ્ટના અગાઉના વર્ષોના હિસાબો રજૂ કરવામા આવ્યા હતા, જેને ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. હિસાબી ચર્ચા દરમિયાન જાણવા મળ્યુ હતુ કે સંસ્થાના વિવિધ કાર્યક્રમો અને કામગીરી માટે ભૂતકાળમા ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા પાસેથી લોન સ્વરૂપે નાણાં લેવામા આવ્યા હતા. મૂળચંદ રાણાએ ઉદારતા દાખવી આ સમગ્ર રકમને દાન તરીકે સંસ્થાને આર્થિક સહયોગ આપ્યો હતો.

સંસ્થાના સુચારૂ સંચાલન માટે આર્થિક સશક્તિકરણ જરૂરી હોવાનુ માની ઉપસ્થિત સભ્યોએ અંદાજે રૂ. ૧૫૦૦૦થી વધુની દાનરકમ જાહેર કરી હતી.

પૂર્વ પ્રમુખ દિનેશ પરમાર દ્વારા સંસ્થાના હિતમા વધુ સક્રિય રીતે કાર્ય કરવાની તૈયારી દર્શાવવામા આવી હતી.

બેઠકમા સર્વાનુમતે શંકરલાલ પરમારને ખજાનચી અને જયેશ વેગડાને સહમંત્રી તરીકે નિયુક્ત કરવામા આવ્યા હતા.

મહામંત્રી ભરત દેવમણી તથા ચીફ પેટ્રન મૂળચંદ રાણા દ્વારા નાદુરસ્ત તબિયત અને સમયના અભાવને કારણે આપવામાં આવેલા રાજીનામાના પત્રોને સર્વસંમતિથી નામંજૂર કરીને તેમને યથાવત્ પદ પર કાર્યરત રહેવા અનુરોધ કરવામા આવ્યો હતો.

સંસ્થાના સ્થાપક સભ્ય અને પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમારએ સંસ્થાને વધુ મજબૂત અને સક્રિય બનાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત નટુભાઈ પરમાર અને પૂર્વ માહિતી અધિકારી ધીરજ કોટવાળ દ્વારા પત્રકારોને સરકારી પેનલ, એક્રેડિટેશન કાર્ડ, સરકારી જાહેરાતો સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ

પૂર્વ પ્રમુખ દિનેશ પરમારએ આગામી બેઠક અંબાજી ખાતે યોજવાની જાહેરાત કરી હતી, જ્યારે ઉપપ્રમુખ બાબુભાઈ મેસરવાળાએ ભવિષ્યમા ગાંધીનગર ખાતે બેઠક યોજવાની જાહેરાત કરી હતી.

નિવૃત્ત અધિકારી અને સાહિત્યકાર પી.બી. શ્રીમાળીએ સંસ્થાને સતત સક્રિય અને જીવંત રાખવા માટે દર મહિને બેઠક યોજવાની સલાહ આપી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારમિત્રોએ પાટણ સ્થિત માયા ટેકરી ખાતે વિરમાયાદેવના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ બહુજન નાયકને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!