MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની ૮૫ ગૌશાળા-પાંજરાપોળના ૨૩,૫૦૦થી વધુ પશુઓને નિભાવ સહાય ચૂકવાઈ

 

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’થી મોરબીમાં પશુધનને મળ્યો આર્થિક આશરો: ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂ. ૬.૫ કરોડથી વધુની સહાય મંજૂર

મોરબી જિલ્લાની ૮૫ ગૌશાળા-પાંજરાપોળના ૨૩,૫૦૦થી વધુ પશુઓને નિભાવ સહાય ચૂકવાઈ

રખડતા પશુઓના વ્યવસ્થાપન માટે ૨,૧૦૦થી વધુ ગૌવંશને વિવિધ સંસ્થાઓમાં આશ્રય અપાયો

ચાલુ વર્ષ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ૩૦ જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુધનની સુખાકારી અને સંવર્ધન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પશુપાલન ખાતાની “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” મોરબી જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓને ગાય અને ભેંસ વર્ગના આશ્રિત પ્રાણીઓના પૌષ્ટિક આહાર તેમજ સારસંભાળ માટે સરકારશ્રી દ્વારા પ્રતિ પશુ દૈનિક રૂ. ૩૦/- ની આર્થિક નિભાવ સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાની અંદાજે ૮૫ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓને ઓક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૫ ના ત્રિમાસિક ગાળા માટે ૨૩,૫૦૦ થી વધુ પશુઓના નિભાવ અર્થે રૂ. ૬.૫ કરોડથી વધુની માતબર સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને ચૂકવવામાં આવી છે.

આ સહાય પ્રક્રિયા અત્યંત પારદર્શક છે, જેમાં સંસ્થાઓ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા સમિતિ દ્વારા પશુઓની સંખ્યાની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ-ગાંધીનગર દ્વારા સહાયની રકમ સીધી સંસ્થાના ખાતામાં જમા (DBT) કરાય છે.

 

મોરબી મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ શહેરી વિસ્તારમાં બિનવારસુ રખડતા પશુઓની સમસ્યાના કાયમી નિકાલ અને તેમના સુરક્ષિત આશ્રય માટે વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આ યોજનાનો લાભ લેતી જિલ્લાની જુદી-જુદી ગૌશાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૨,૧૦૦ થી વધુ બિનવારસુ ગૌવંશના પશુઓને સુરક્ષિત રીતે નિભાવ અર્થે મૂકવા માં છે.

 

પશુપાલન ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવાના હેતુથી, ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ-ગાંધીનગરની વિવિધ સહાયકારી યોજનાઓનો ચાલુ વર્ષે લાભ લેવા માટે સરકારે હાલ તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂક્યું છે. મોરબી જિલ્લાની તમામ પાત્રતા ધરાવતી રજિસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો નિયત સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરીને સરકારશ્રીની આ યોજનાનો લાભ લઈ શકશે તેવું મોરબી પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!