
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા ખાતે આવેલા ગાંધી મેદાનમાં ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ અને ઉમંગ વચ્ચે આયોજિત **વાંસદા તાલુકા ક્રિકેટ પ્રીમિયર લીગ (ઓક્શન ટુર્નામેન્ટ)**નું સફળ સમાપન થયું હતું. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લઈને રોમાંચક મુકાબલાઓ સર્જ્યા હતા.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મહાદેવ ઇલેવન ચાપલધરા અને બાપુ ઇલેવન વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં મહાદેવ ઇલેવનની ટીમે 8 ઓવરમાં 78 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાપુ ઇલેવનની ટીમે જોરદાર લડત આપી હતી, પરંતુ 74 રન સુધી જ પહોંચી શકતા મહાદેવ ઇલેવને 4 રને વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ હાંસલ કર્યો હતો.
ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મેન ઓફ ધ મેચનો એવોર્ડ શનિ છત્રીવાલાને મળ્યો હતો. જ્યારે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ શાહરૂખ સોડાવાળાએ પોતાના નામે કર્યો હતો. ધ્વિજ પટેલને બેસ્ટ બોલર અને જગતને બેસ્ટ ફિલ્ડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાકેશ શર્માના હસ્તે વિજેતા મહાદેવ ઇલેવન ચાપલધરા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નટુભાઈ પંચાલ, યશપાલસિંહ, શિવેન્દ્રસિંહ, વીરલભાઈ વ્યાસ, મહેશ કુર્મી, રાજુ મોહિતે, હનીફ સોડાવાળા, તાલુકા સભ્ય પંકજભાઈ તેમજ ધર્મેશભાઈ સહિતના આગેવાનો અને ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટના રોમાંચથી ભરપૂર આ ટુર્નામેન્ટે ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવાની સાથે વાંસદા તાલુકામાં રમતગમતનું ઉત્તમ વાતાવરણ સર્જ્યું હતું.



