MORBI:”મોરબી મહાનગરપાલિકા! કચેરીના પાછળના ભાગે જ કચરાના ગંજ, ‘સ્વચ્છતા’ના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી?






MORBI:”મોરબી મહાનગરપાલિકા! કચેરીના પાછળના ભાગે જ કચરાના ગંજ, ‘સ્વચ્છતા’ના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી?



મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૮મી જૂનના રોજ સવારે ૮:૦૦ વાગ્યે એક ભવ્ય ‘સ્વચ્છતા રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા કચેરીથી શરૂ થઈને ગાંધી ચોક, રામચોક અને ત્યાંથી સરદારબાગ સ્થિત સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધીના સુંદર રૂટ પર આ રેલી યોજાઈ હતી. આયોજન જોઈને જાણે એવું લાગે કે પાલિકા તંત્ર મોરબીને રાતોરાત પેરિસ બનાવી દેશે! નેતાઓ અને અધિકારીઓ કડક ઇસ્ત્રીવાળા સફેદ કપડાં પહેરી, હાથમાં નવી નક્કોર સાવરણી પકડીને સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટવા અને ફોટોસેશન કરાવવા સજ્જ દેખાયા હતા. પરંતુ, આ દેખાડા વચ્ચે મોરબીની જનતા મેયર અને કમિશનરને એક જ વેધક સવાલ પૂછી રહી છે: “સાહેબ/મેડમ, આખા ગામને સાફ કરવા નીકળતા પહેલા જરા તમારી ચેમ્બરની બારી તો ખોલીને જુઓ!” કેટલા કચરાનાં ગજ છે..


જો કમિશનર મેડમ ભૂલથી પણ પોતાની ચેમ્બરની બારી ખોલે, તો સીધા જ કચરાના ગંજ અને ભયંકર ગંદકીના દર્શન થાય તેવી સ્થિતિ છે. પરંતુ કદાચ કમિશનર અને મેયરશ્રીને એસી (AC) ચેમ્બરમાં કચરાની દુર્ગંધ નહીં આવતી હોય, અથવા તો તેમણે વાસ્તવિકતા દર્શાવતી એ બારી કાયમ માટે બંધ જ કરી દીધી છે. જેમના પોતાના ઘરની પાછળ ગંદકીના ઢગલા પડયા હોય, તેવા અધિકારીઓ કયા મોઢે પ્રજાને સ્વચ્છતાના પાઠ ભણાવવા રેલીઓ કાઢે છે? તે મોટો સવાલ છે.વાહ રે મોરબી મહાનગરપાલિકાની કામગીરી! જનતામાં હવે એ ચર્ચા જોર પકડી રહી છે કે, શું આ સ્વચ્છતા રેલી માત્ર સરકારી ગ્રાન્ટ અને બજેટના રૂપિયા ખર્ચવા તથા ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવા માટેનો જ એક કાર્યક્રમ છે? જ્યારે કમિશનર મેડમ પોતાની ઓફિસની પાછળનો કચરો સાફ કરાવી શકતા નથી અને તેમના પોતાના નાકના ટેરવે ગંદકીના સામ્રાજ્ય સ્થપાયા છે, તો પછી આખા મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની ગુલબાંગો શા માટે હાંકવામાં આવે છે?

ગાંધી ચોકથી શરૂ થઈને સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી પહોંચેલી આ રેલી ખરેખર તો મહાનુભાવોના આદર્શોની મજાક સમાન છે. ગાંધીજી અને સરદાર પટેલે ક્યારેય માત્ર ફોટા પડાવવા માટે આવા વરઘોડા કે દેખાડા કરવાનું નહોતું શીખવ્યું. તેમણે હંમેશા મૂંગા મોઢે અને ઈમાનદારીથી નક્કર કામગીરી કરવામાં માન્યું હતું.

મોરબીની જનતા હવે જાગૃત થઈ ગઈ છે. તે નેતાઓના હાથમાં રહેલી નવી સાવરણી પણ જુએ છે અને પાલિકા કચેરી પાછળ પડેલો કચરો પણ જોઈ શકે છે. જો ખરેખર મહાનગરપાલિકાના મેયર અને કમિશનર સ્વચ્છતા અભિયાન ચલાવવા જ માંગતા હોય, મોરબીની જનતા સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.બાકી, આવી રેલીઓ એ સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ઓછી, અને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ વધુ લાગી રહ્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


