કાલોલ હાઇવે પર કારને આગળ-પાછળ ટક્કર મારી અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઈ

તારીખ ૦૯/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કલોલના મઘાસર ચોકડી પાસે પંચ હોટલ સામે હાઈવે રોડ પર એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ગાડી હંકારીને એક પરિચિત બ્રાન્ડની ફોરવ્હીલના ચાલકે બીજી કારને આગળ અને પાછળ બંને ભાગે જોરદાર ટક્કર મારી ભારે નુકશાન પહોંચાડ્યું છે અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કણજરા ગામના વતની રવિન્દ્રભાઈ નાથાભાઈ ખરાડી (ઉં.વ. ૨૧) એ કાલોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ગત તારીખ ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે રવિન્દ્રભાઈ તેમના કાકાના દીકરા વિજયકુમાર સાથે વડોદરા ખાતે બીમાર કાકાની ખબર કાઢવા માટે પોતાની મારુતિ સ્વિફ્ટ કાર (નંબર: GJ-06-LK-0792) લઈને નીકળ્યા હતા.
જ્યારે તેમની કાર કાલોલથી આગળ હાલોલ તરફ જઈ રહી હતી, ત્યારે મઘાસર ચોકડી પાસે પંચ હોટલ સામેના બમ્પ નજીક પાછળથી આવતી એક ટી.યુ.વી. મહિન્દ્રા ફોરવ્હીલ (નંબર: GJ-06-JQ-0414) ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવીને સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કરને કારણે સ્વિફ્ટ કારની ડીકી, બમ્પર અને પાછળની બંને લાઈટોના કાચ તૂટી ગયા હતા.અકસ્માત થતાં જ ફરિયાદી અને તેમનો ભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. નુકશાની અંગે વાત કરવા જતાં જ ટી.યુ.વી. મહિન્દ્રાનો ચાલક ગાડી લઈને હાલોલ તરફ ભાગવા લાગ્યો હતો. રવિન્દ્રભાઈ અને વિજયકુમારે પોતાની કારથી તેનો પીછો કર્યો અને હાલોલ ટોલનાકા પાસે આરોપીની ગાડીને રોકવા માટે પોતાની કાર તેની આગળ ઊભી રાખી દીધી.પરંતુ, આરોપી ચાલકે ત્યાં પણ પોતાની ગાડી ઊભી રાખવાના બદલે સ્વિફ્ટ કારને આગળના ભાગે જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના કારણે કારના આગળના બમ્પર, બોનેટ અને હેડલાઈટોને ભારે નુકશાન થયું હતું. ત્યારબાદ આરોપી ચાલક પોતાની ગાડી લઈને વડોદરા તરફ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.આ ઘટના અંગે રવિન્દ્રભાઈ ખરાડીએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટી.યુ.વી. મહિન્દ્રા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






