MORBI:તંત્ર અને કંપનીની મનમાની સામે મોરબીમાં ખેડૂતોનો જનજુવાળ, મહેન્દ્રનગરમાં ટ્રેક્ટર રેલીનું ભવ્ય સ્વાગત!







MORBI:તંત્ર અને કંપનીની મનમાની સામે મોરબીમાં ખેડૂતોનો જનજુવાળ, મહેન્દ્રનગરમાં ટ્રેક્ટર રેલીનું ભવ્ય સ્વાગત!


ખેડૂતો આરપારના મૂડમાં: મોરબીના ખેતરોમાં વીજ લાઈન નાખવા સામે જેતપરથી નીકળેલી ટ્રેક્ટર રેલીનું મહેન્દ્રનગરમાં ઢોલ-નગારા સાથે સ્વાગત

ખેતરોમાં વીજ લાઈન નાખવાની કામગીરી સામે મોરબી જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જેતપર ગામેથી શરૂ થયેલી ખેડૂતોની આક્રોશ ટ્રેકટર રેલીનું મોરબી શહેરમાં ભવ્ય આગમન થઈ ચૂક્યું છે. ઠેર-ઠેર જનસમર્થન સાથે આ રેલી હવે કલેકટર કચેરી તરફ આગળ વધી રહી છે.
જેતપરથી નીકળેલી આ વિશાળ ટ્રેકટર રેલી જ્યારે મોરબીના મહેન્દ્રનગર પાસે પહોંચી, ત્યારે સ્થાનિક લોકો અને અન્ય ખેડૂતો દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકજુવાળ: રેલીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ઉત્સાહ: ઢોલ-નગારાના નાદ અને સૂત્રોચ્ચારો સાથે ખેડૂતોની આ લડતને વધાવી લેવામાં આવી હતી.
આ ટ્રેકટર રેલી આગળ વધીને સીધી મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે. જ્યાં ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવશે.

મુખ્ય માંગ: ખાનગી કંપનીઓ અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે મનસ્વી રીતે ખેતરોમાં વીજ લાઈન નાખવાની જે કામગીરી થઈ રહી છે, તેની સામે ઉગ્ર વિરોધ નોંધાવી તંત્રની મનમાની અટકાવવાની માંગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપર ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરો અને પાકને બચાવવા માટે છેલ્લા ઘણા સમયથી વીજ લાઈનના કામ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ પૂર્વે પણ ખેડૂતો પોતાની માંગણીઓ સંતોષવા માટે બે વખત રોડ ચક્કાજામ જેવા આક્રમક કાર્યક્રમો આપી ચૂક્યા છે.
તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ ટ્રેકટરો સાથે મોરબી તરફ કૂચ કરી છે. હવે આજે જિલ્લા કલેકટર સાથે થનારી આ મહત્વની રજૂઆત અને તેના પર તંત્ર શું નિર્ણય લે છે, તેના પર માત્ર જેતપર જ નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લાભરના ખેડૂતોની મીટ મંડાઈ છે.




