ભરૂચમાં ધોળા દિવસે ડબલ મર્ડર: સસરાએ એક ઘરમાં પુત્રવધુ અને બીજા ઘરમાં વેવાણને રહેસી નાખી, એ જ છરીથી પોતાની હાથની નસ કાપી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં સોમવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એક જ પરિવાર સાથે જોડાયેલી બે મહિલાઓની નિર્દયતાપૂર્વક હત્યા થતાં વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનામાં પોતાની પુત્રવધૂ અને તેની માતા પર જીવલેણ હુમલો કરનાર સસરાએ બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, કોઠી વિસ્તારમાં રહેતા ડૉ. યુસુફ ઝનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધૂ અલીફિયા યુસુફભાઈ ઝનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી નીકળી વ્હોરાવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાની પુત્રવધૂની માતા શહેનાઝબેન નમકવાલા પર પણ ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બંને મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બે જીવ હંમેશા માટે ખામોશ થઈ ચૂક્યા હતા. થોડા કલાકો પહેલાં સુધી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલી માતા અને પુત્રીની લોહીલુહાણ હાલતમાં મળેલી લાશોએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો.
ઘટનાને અંજામ આપ્યા બાદ ઝૈનુલ ઝનોરવાલાએ એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ડબલ મર્ડર જેવી ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને સ્થળોએ પહોંચીને પુરાવાઓ એકત્રિત કર્યા છે અને સમગ્ર ઘટનાના કારણોની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે.
એક જ પરિવાર સાથે જોડાયેલા ત્રણ લોકોના જીવનને ઝંઝોડી નાખનાર આ ઘટનાએ ભરૂચ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. માતા અને પુત્રીના એકસાથે થયેલા કરુણ અંતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સમગ્ર શહેર આ ઘટનાના સાચા કારણો જાણવા આતુર બન્યું છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની તબિયત સુધર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.


