
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પ્રવેશોત્સવ પહેલા ગુરુઓની વિદાયથી ગુજરાત અને કચ્છનું પાયાનું શિક્ષણ જોખમમાં!
૦૦૦
વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં બાબુશાહીની ગોકળગાય ગતિથી બેરોજગાર ઉમેદવારોમાં ભારે આક્રોશ
૦૦૦
ખાલી જગ્યા કરતાં પણ ઓછી અરજીઓ હોવા છતાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં શિક્ષણ વિભાગની રહસ્યમય આળસ?
૦૦૦
દસ્તાવેજોના વેરિફિકેશનને દોઢ માસ વીતવા છતાં કાયમી ભરતીને લાગેલી બ્રેક: “ભેંસ ભાગોળે ને છાશ છાગોળે” જેવો તાલ
૦૦૦
૧૧મી જૂને જિલ્લા ફેર બદલી વાળા શિક્ષકોને છૂટા કરાશે? તો કચ્છમાં ૨૨૦૦ની ઘટ વચ્ચે વધુ ૧૦૦૦ જેટલા શિક્ષકો વતનની વાટ પકડશે તો ભૂલકાઓનું શું?
૦૦૦
વેકેશનનો પગાર અને ૨૬,૦૦૦નો ફિક્સ પગાર બચાવવા માટે કાયમી ભરતી અટકાવી, જ્ઞાન સહાયકોના કરાર તાત્કાલિક રીન્યુ કરવાનો ખેલ?
૦૦૦
એક બાજુ હાઈ-સ્કિલ્ડ પ્રોફેસરોનું મજૂર કરતાં પણ અડધા પગારે શોષણ, બીજી બાજુ પ્રાથમિક શિક્ષણમાં કરાર આધારિત પ્રથા સામે ઉમેદવારોની આરપારની લડતની તૈયારી
મુંદરા, તા.૧૦:
ગુજરાત રાજ્યમાં ૮મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સરકારી શાળાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવવાની વહીવટી તૈયારીઓ ધમધમી રહી છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે રાજ્યની કુલ ખાલી જગ્યાના ૨૦% થી વધુ શિક્ષકોની ઘટ ધરાવતા સરહદી કચ્છ જિલ્લાની શાળાઓમાંથી આગામી ૧૧મી જૂનથી મોટા પાયે ‘જિલ્લા ફેર બદલી કેમ્પ’ હેઠળ શિક્ષકોને છૂટા કરવામાં આવી શકે છે. કચ્છમાં અગાઉથી જ ૨૨૦૦ જેટલા શિક્ષકોની ઘટ છે તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાંથી આશરે ૧,૦૦૦ થી વધુ શિક્ષકો પોતાના વતનમાં જવા તૈયાર બેઠા છે. ચિંતાજનક બાબત એ છે કે શાળાઓમાં બાળકોના પ્રવેશોત્સવ પહેલા જ ગુરુઓનો વિદાય સમારંભ થઈ જશે તો ધોરણ ૧ થી ૫ ના હજારો ભૂલકાઓનું પાયાનું શિક્ષણ જ અંધકારમાં ધકેલાઈ જશે.
એઆઈ અને ટેકનોલોજીના યુગમાં વહીવટી ઢીલાસની પરાકાષ્ઠા:
રાજ્યમાં ૨૧ ડિસેમ્બર ૨૦૨૫માં ટેટ-૧ ની પરીક્ષા લેવાયા બાદ ભારે રજૂઆતોના અંતે માંડ રિઝલ્ટ જાહેર કરાયું હતું અને ત્યારબાદ ૧૧,૦૦૦ જગ્યા ભરવા વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત પણ આવી અને ૨૪ એપ્રિલ ૨૦૨૬ના તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ગયું. જેને આજે ૪૫ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. અને જયારે હાલના એઆઈ અને ઓનલાઈન કમ્પ્યુટર સોફ્ટવેરના યુગમાં માત્ર એક દિવસમાં એક ક્લિક પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે તેમ છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં હાલમાં શિક્ષકોની ૧૯,૭૩૦ જગ્યાઓ ખાલી છે જેની સામે ૧૧,૦૦૦ ની વિદ્યા સહાયક ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા માંડ ૧૦,૦૦૦ જેટલી જ થાય છે! એટલે કે ખાલી જગ્યા કરતા પણ ઓછી અરજીઓ આવી હોવાથી કટ-ઓફ, મેરીટ કે કેટેગરીનો પ્રશ્ન જ નથી કેમ કે અરજી કરનાર તમામ લાયક ઉમેદવારોને ઓર્ડર મળવાપાત્ર છે. આ સાચી ને સીધી વાત તંત્ર સમજવાને બદલે પીટીસી બીજા વર્ષના પરિણામ કે કોર્ટ મેટર જેવા ઉટપટાંગ બહાના ધરીને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરતું નથી જે શિક્ષિત બેરોજગારોના ગળે ઉતરતું નથી.
આર્થિક લાલચમાં શિક્ષણ સાથે ગંભીર ચેડાં અને શોષણયુક્ત નીતિ જવાબદાર? :
કાયમી વિદ્યાસહાયકની ભરતી પ્રોસેસ ગોકળગાયની ગતિએ ચલાવીને સરકાર માત્ર આર્થિક ફાયદા માટે ૧૧ માસના કરાર આધારિત ‘જ્ઞાનસહાયક’ ની યોજના થોપવા માંગે છે. ગત વિદ્યાસહાયક ભરતીમાં પણ પરીક્ષાના ૨૭ મહિના બાદ જુલાઈ ૨૦૨૫ માં માંડ પ્રથમ રાઉન્ડ બહાર પડાયો હતો. આ વખતે પણ ૨૬,૦૦૦નો માસિક પગાર ન આપવો પડે એટલે કાયમી ભરતી લટકાવી રાખવામાં આવી હોવાનો આક્ષેપ છે. વેકેશન પહેલા ૭,૦૦૦ જેટલા જ્ઞાનસહાયકોને છૂટા કરી દેવાયા હતા જેથી વેકેશનનો પગાર ન આપવો પડે! ભારતના બંધારણ અને ‘સમાન કામ સમાન વેતન’ ના નિયમ મુજબ કોઈપણ સળંગ સેવા આપનાર કર્મચારીને વેકેશન દરમિયાન પગાર ન આપવો એ ગંભીર ગુનાહિત બાબત છે. હવે ઉઘડતા વેકેશને કાયમી ભરતી કરવાને બદલે તાત્કાલિક જ્ઞાનસહાયકોના ઓર્ડર રૂ. ૨૧,૦૦૦ ના ફિક્સ પગારમાં રીન્યુ કરવાની મંજૂરીના આદેશો કરાયા છે.
હદ તો ત્યાં થાય છે કે લાયક નવયુવાનો આ શોષણયુક્ત નોકરી સ્વીકારવા તૈયાર નથી તેથી સરકારે વયમર્યાદા વધારીને ૪૮ વર્ષ સુધીના તમામ વર્ષના ટેટ પાસ ઉમેદવારોને લેવાની જાહેરાત કરી છે! મોટો સવાલ એ થાય છે કે એક તરફ સરકાર ૫૦ વર્ષ પછી કર્મચારીઓની કાર્યક્ષમતા ચકાસી ફરજીયાત નિવૃત્ત કરવાના નિયમો બનાવે છે અને બીજી તરફ ૧૦ વર્ષ સુધીના નાના ભૂલકાઓના પાયાના શિક્ષણ માટે ૪૮ વર્ષના આધેડની ભરતી કરીને “પાકા ઘડે કાંઠા” ચડાવી શું સિધ્ધ કરવા માંગે છે?
બંધારણીય હકોનું સરેઆમ હનન: વેકેશનના પગાર વગર શિક્ષિતોનું સામાજિક શોષણ ક્યાં સુધી?
“જ્યાં સુધી વિદ્યાસહાયકની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વચગાળાની રાહત રૂપે કાર્યરત જ્ઞાનસહાયકો અને સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં (પાંચ વર્ષનો સળંગ ઓર્ડર ધરાવતા) પ્રોફેસરોને વેકેશન દરમિયાન પગાર ન ચૂકવવો એ માત્ર વહીવટી ક્રૂરતા જ નથી પરંતુ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું સરેઆમ હનન છે. બંધારણના અનુચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર), અનુચ્છેદ ૨૧ (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) અને સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત ‘સમાન કામ, સમાન વેતન’ ના કાયદાકીય સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ કર્મચારી સંસ્થા સાથે સળંગ જોડાયેલો હોય ત્યારે સંસ્થાકીય રજાઓ કે વેકેશન દરમિયાન કર્મચારીનો પગાર કાપી શકાય નહીં. કાયમી કર્મચારીઓની જેમ જ પૂરી ક્ષમતાથી શૈક્ષણિક કાર્ય કરનારા આ ઉચ્ચ શિક્ષિત વર્ગને દોઢથી બે મહિના સુધી આર્થિક સહાયથી વંચિત રાખવામાં આવે ત્યારે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે નાછૂટકે તેને વેકેશનમાં શારીરિક મજૂરી કરવા મજબૂર બનવું પડે છે. આ સ્થિતિ લોકશાહી સરકારની છબી પર કાળો ડાઘ સમાન છે. જો સરકાર અને સંસ્થાઓ આ શિક્ષિતોને ચિંતામુક્ત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવા માંગતી હોય તો વેકેશનના પગારનો હક તુરંત આપવો જ જોઈએ. આ આર્થિક સુરક્ષા મળવાથી શિક્ષકો વેકેશનના આ સમયગાળાનો સદુપયોગ કરી શકશે અને ચિંતામુક્ત મનથી નવું વાંચન કરી શકશે તથા આધુનિક શૈક્ષણિક તાલીમ મેળવીને પોતાની સ્કિલ અપગ્રેડ કરી શકશે. પરિણામે વેકેશન બાદ જ્યારે શાળાઓ ખુલશે ત્યારે તેઓ કોઈ પણ આર્થિક બોજ વગર બમણા ઉત્સાહ અને નવીનતમ જ્ઞાન સાથે દેશના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણ પાછળ પોતાનું સર્વ શ્રેષ્ઠ યોગદાન આપી શકશે.”
ઉચ્ચ શિક્ષણમાં પણ લાયકાત ધરાવતા યુવાનોનું સરેઆમ મનસ્વી શોષણ:
આવી જ વહીવટી અણઆવડત અને શોષણખોરી ઉચ્ચ શિક્ષણમાં પણ જોવા મળી રહી છે. નેટ અને જીસેટ જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરેલા તેજસ્વી યુવાનોનું સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો માત્ર ૧૦,૦૦૦ જેટલો નજીવો પગાર આપીને સરેઆમ શોષણ કરી રહી છે. પાંચ વર્ષનો સળંગ ફિક્સ પગારનો ઓર્ડર હોવા છતાં ખાનગી કોલેજો દ્વારા તેમને વેકેશનનો પગાર અપાતો નથી. કેન્દ્ર સરકાર એકબાજુ અકુશળ મજૂરો માટે પણ લઘુત્તમ વેતન રૂ. ૨૦,૩૫૮ આપવાની જાહેરાત કરે છે ત્યારે ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો (હાઈ-સ્કિલ્ડ)ને અભણ મજૂર કરતાં પણ અડધા પગારે નોકરી કરવા મજબૂર બનવું પડે છે જેના કારણે ઘણી જગ્યાએ નાછૂટકે શ્રમ અને રોજગાર મંત્રાલયના ‘સમાધાન પોર્ટલ’ સુધી ફરિયાદો પહોંચી હોવાનું જાણવા મળે છે.
ઉમેદવારોની ગાંધીનગરમાં રજૂઆત અને નક્કર રણનીતિની ચીમકી:
આજે ૧૧,૦૦૦ કાયમી ટેટ-૧ પાસ ઉમેદવારોના પ્રતિનિધિઓ પોતાની વ્યાજબી ચિંતાઓ સાથે ગાંધીનગર ખાતે એકઠા થઈને સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાના છે. ઉમેદવારોમાં એવો કડવો કટોકટીભર્યો માહોલ છે કે જો સરકાર ૨૦૨૬ ની આ વિદ્યાસહાયક ભરતીમાં વિલંબ કરશે તો તેઓ કાયમી ભરતીના દબાણ માટે એકજૂથ થઈને કરાર આધારિત જ્ઞાનસહાયકની નોકરીનો બહિષ્કાર કરશે અને રાજ્યની ૧૦,૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી રાખશે. ઉમેદવારોની માંગ છે કે જો સરકારે કરાર આધારિત જ્ઞાનસહાયકમાં જ કામ લેવું હોય તો લેખિત પરિપત્ર કરીને ખાતરી આપે કે જ્ઞાનસહાયક તરીકે કરેલી નોકરીનો સમયગાળો વિદ્યાસહાયકના ૫ વર્ષના ફિક્સ પગારના સમયગાળામાંથી બાદ કરી આપવામાં આવશે.
જાગૃત નાગરિકોની સરકારને અપીલ:
જો સરકાર ખરેખર બાળકોના અને એમાંય ખાસ કરીને પછાત અને સરહદી એવા કચ્છ જિલ્લાના શિક્ષણ પ્રત્યે ગંભીર હોય તો બદલીની પ્રક્રિયાની સમાંતર કાયમી વિદ્યાસહાયક ભરતીનું સામાન્ય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દરેક શાળામાં કરાર આધારિત આધેડોને બદલે ઉત્સાહી અને લાયક કાયમી શિક્ષક હાજર થાય તેવો નિર્ણય લેવો જોઈએ જેથી બાબુશાહીના પાપે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના બાળકનો પાયો કાચો ન રહી જાય. હવે એ જોવાનું રહ્યું કે કાયમી શિક્ષકોની ભરતી પહેલા જ જિલ્લાફેર બદલી વાળા શિક્ષકોને છુટા કરવા બાબતે કચ્છ અને ગુજરાતની નેતાગીરી બાળકો અને ઉમેદવારોના હિતમાં કેવું વલણ અપનાવે છે?

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


