
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામ ખાતે વલસાડ-ખેરગામ માર્ગ પર આવેલી જનતા માધ્યમિક શાળા સામે લાંબા સમયથી પીકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો અને શાળાના વિદ્યાર્થીઓને તડકો તથા વરસાદથી રાહત મળે તે માટે ધારાસભ્ય ફંડમાંથી રકમ પણ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફંડ ફાળવાયા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પીકઅપ સ્ટેન્ડનું કામ શરૂ થયું નથી. તંત્ર દ્વારા અનેક વખત સ્થળની મુલાકાત અને સર્વે કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ કામ માત્ર કાગળો પર જ અટક્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હજુ વરસાદની શરૂઆત થઈ નથી, પરંતુ આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ દિવસો વરસાદી મોસમને બાકી રહ્યા છે. ત્યારે મુસાફરો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ફરી તડકા અને વરસાદ વચ્ચે ખુલ્લામાં ઊભા રહેવાની નોબત આવશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોની માંગ છે કે તંત્ર હવે વધુ વિલંબ કર્યા વગર પીકઅપ સ્ટેન્ડનું કામ શરૂ કરી લોકોને સુવિધા પૂરી પાડે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર વિભાગ આ મુદ્દે ક્યારે ગંભીરતા દાખવે છે.


