Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ

તા.૨૪/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે I-Khedut પોર્ટલ પર ૨૬ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
Rajkot: રાજકોટ જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અમલીકૃત થનાર વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓ હેઠળ જનરલ/ઓ.બી.સી. જાતિના ખેડૂતો માટે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ વાવેતર, ટીશ્યુ ખારેકની ખેતીમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન યોજના તથા સરગવાની ખેતીમાં સહાય જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય ઘટક હેઠળ લાભ મેળવી શકશે.
આ યોજનાઓમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ થી તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજીમાં દર્શાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો અપલોડ કરી, અરજી કન્ફર્મ કરી તેની પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરેલી અરજીની નકલ જરૂરી કાગળો સાથે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩, જિલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


