Gondal: ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

તા.૨૨/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
“એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
“એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજકોટ જિલ્લામાં સાડા પાંચ લાખ રોપાઓનું વાવેતર કરાયું: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ વૃક્ષારોપણ અને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવીને આપ્યો પ્રકૃતિ જતનનો સંદેશ
Rajkot, Gondal: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આજે ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “એક પેડ માઁ કે નામ ૩.૦” અભિયાન અંતર્ગત મંત્રીશ્રીએ પીપળાનું રોપણ કર્યા બાદ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું અને લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવીને પર્યાવરણ જતનમાં સક્રિય યોગદાન આપવા આગ્રહ કર્યો હતો.
સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા પાટીદડમાં વિમલ રિસર્ચ સોસાયટી ખાતે વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી શ્રી કુંવરજીભાઈએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ ૩.૦ અભિયાન” હેઠળ રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સાડા પાંચ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યનો દરેક નાગરિક એક-એક વૃક્ષ વાવે એ માટે સઘન પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં એક સપ્તાહમાં ૧૦ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરની આઈ.ટી.આઈ.થી વૃક્ષારોપણનો આરંભ થઈ ગયો છે.
વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે સરકાર દ્વારા અપાતી સહાયનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેતરમાં શેઢે વૃક્ષારોપણ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વનવિભાગ દ્વારા છોડ દીઠ રૂ.૧૨૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે વર્ષો જૂના વડલા-પીપળા જેવા વૃક્ષો આપણી વિરાસત સમાન છે. આવા વૃક્ષોના જતન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે.
ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણનું જતન જરૂરી હોવાનું જણાવીને મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને એક-એક વૃક્ષ અચૂક વાવવા ખાસ આગ્રહ કર્યો હતો.
આ તકે ડી.સી.એફ.-રિસર્ચ શ્રી ડૉ.ગંગાશરણ સિંહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ તેમજ પ્રદૂષણના કારણે સર્જાતી સમસ્યાઓનું નિરાકરણ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનથી જ લાવી શકાશે. કોરોનાકાળમાં શોધાયેલી વેક્સિન ઉપરાંત બુલેટ ટ્રેન, સોલર પેનલ સહિતના અનેક આવિષ્કારોની પ્રેરણા વૈજ્ઞાનિકોએ પ્રકૃતિના વિવિધ તત્વોમાંથી મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડી.સી.એફ. સામાજિક વનીકરણ શ્રી યુવરાજસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪માં શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાનનું ત્રીજું સંસ્કરણ અત્યારે ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણને વેગ આપવા વન વિભાગની ૧૪ નર્સરીઓ દ્વારા વર્ષમાં ૨૧.૪૬ લાખ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
આ અવસરે વૃક્ષારોપણ, પ્રકૃતિ જતન વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિવિધ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાદમાં લીલીઝંડી આપીને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવાયું હતું.
આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સામતભાઈ બાંભવા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી દીપક ગોવાણી, પાટીદડ સરપંચ શ્રી મુકેશભાઈ વિરડીયા, અગ્રણી શ્રી અશ્વિનભાઈ ઠુમ્મર, ગોંડલ પ્રાંત અધિકારી શ્રી પારસ વંડા, ડે. ડી.ડી.ઓ. શ્રી જય ગોસ્વામી, વિમલ રિસર્ચ સોસાયટીના ડાયરેક્ટ ડૉ. જગદીશચંદ્ર મોણપરા, વન વિભાગના અધિકારીઓ, છાત્રો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








