HALVAD:હળવદ નગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર નેતા ગરજ્યા: સેનિટેશન ચેરમેને ઓફિસમાં ઘૂસી ક્લાર્ક પર સ્ટીલની પાઇપથી કર્યો હુમલો







HALVAD:હળવદ નગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર નેતા ગરજ્યા: સેનિટેશન ચેરમેને ઓફિસમાં ઘૂસી ક્લાર્ક પર સ્ટીલની પાઇપથી કર્યો હુમલો


હળવદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જાણે કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પાલિકાના જ સેનિટેશન ચેરમેને પાણી પુરવઠા વિભાગના એક કરાર આધારિત ક્લાર્ક પર ઓફિસમાં ઘૂસીને સ્ટીલની સ્ટીક (લાકડી) વડે હિચકારો હુમલો કરી, ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટનાથી સરકારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર કર્મચારીએ નગરપાલિકાના સેનિટેશન ચેરમેન વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ હળવદ તાલુકાના કવાડીયા ગામના વતની અને હાલ હળવદની રુદ્ર ટાઉનશીપ-૦૨ સોસાયટીમાં રહેતા તુષારદાન મનહરદાન ગઢવી (ઉં.વ. ૩૩) હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તુષારદાન પોતાની ઓફિસે ફરજ પર હાજર હતા, ત્યારે હળવદ નગરપાલિકાના સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારીએ તેમના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. ફોન પર પાણી પહોંચાડવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી ચેરમેને ક્લાર્કને બેફામ ગાળો ભાંડી હતી.
આટલેથી જ ન અટકતા, આરોપી ભરતભાઈ રબારી સીધા પાણી પુરવઠા વિભાગની ઓફિસે ધસી આવ્યા હતા. તેમણે ઓફિસમાં ઘૂસીને ફરી પાણી મુદ્દે તુષારદાન સાથે હોબાળો કર્યો હતો અને પોતાના હાથમાં રહેલી સ્ટીલની સ્ટીક (લાકડી) વડે કર્મચારી પર તૂટી પડ્યા હતા.
હુમલાખોર ચેરમેને સ્ટીલની સ્ટીક વડે ક્લાર્ક તુષારદાનના બંને હાથના કાંડાના ભાગે આડેધડ ફટકા માર્યા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર મૂંઢ ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપીએ કર્મચારીને ગડદાપાટુનો ઢોર માર મારી, ઓફિસ સ્ટાફની હાજરીમાં જ જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી પણ આપી હતી.
સરકારી કર્મચારી પર પાલિકાના જ હોદ્દેદાર દ્વારા થયેલા આ હુમલાને પગલે કર્મચારી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર ક્લાર્ક તુષારદાન ગઢવીની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી વિરુદ્ધ આઈપીસી/બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સત્તાધારી પક્ષના નેતા સામે પોલીસ હવે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


