થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખાતમુહૂર્તના તાયફા, બીજી બાજુ પાણી માટે લોકોના વલખાં!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં આવેલા પરમારવાસ અને પંડ્યાવાસના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં દિવસ દરમિયાન માત્ર અડધો કલાકથી એક કલાક જેટલું જ પાણી મળે છે, જ્યારે કેટલાક દિવસો તો પાણી આવતું જ નથી.
એક તરફ નગરપાલિકાના સત્તાધીશો નવા પાણીના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને વિકાસના દાવાઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નગરપાલિકા વિસ્તારના જ લોકો પીવાના પાણી માટે પોકારી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પાણીની અછતને કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે નવા કામોના ખાતમુહૂર્ત કરતા પહેલાં હાલના વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કેમ કરવામાં આવતી નથી? રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.



