MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નગરપાલિકા: પાણીના કનેક્શન વગર જ ‘સ્પેશિયલ વોટર ટેક્સ’ વસૂલાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

 

TANKARA:ટંકારા નગરપાલિકા: પાણીના કનેક્શન વગર જ ‘સ્પેશિયલ વોટર ટેક્સ’ વસૂલાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ટંકારા નગરપાલિકાની કામગીરી અને વેરા વસૂલાતની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વોર્ડ નં. ૩ ની એક દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન ન હોવા છતાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાના બિલમાં “સ્પેશિયલ વોટર ટેક્સ” વસૂલવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી મિલકત વેરા સહિત અન્ય વિવિધ વેરાઓની વસૂલાત કરવામાં આવે છે. તાજેતરમાં વોર્ડ નંબર ૩ વિસ્તારમાં આવેલી એક વ્યાવસાયિક દુકાનના વેરા બિલ અને પહોંચ સોશિયલ મીડિયા તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ દુકાનમાં નગરપાલિકાની પાણીની કોઈ લાઈન જ નથી, તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા મિલકતધારક પાસેથી નિયમિતપણે ‘સ્પેશિયલ વોટર ટેક્સ’ વસૂલવામાં આવી રહ્યો છે. સુવિધા આપ્યા વગર જ વેરો વસૂલવાની આ નીતિ સામે વેપારીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર મામલે ટંકારા નગરપાલિકા કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યો છે. કરદાતાઓના હિત અને વહીવટી પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રશાસન પાસે નીચે મુજબના મુદ્દાઓ અંગે જાહેર સ્પષ્ટતા માંગવામાં આવી છે:

જે મિલકતોમાં પાણીનું કનેક્શન જ નથી, તેમની પાસેથી કયા કાયદા કે નિયમ હેઠળ પાણી વેરો વસૂલવામાં આવે છે? વિવાદિત દુકાનમાં પાણીની લાઈન કે કનેક્શન હોવાનો કોઈ સરકારી રેકોર્ડ પાલિકાની ફાઈલો પર ઉપલબ્ધ છે કે નહીં? જો સુવિધા ઉપલબ્ધ ન હોય તો અત્યાર સુધી ગેરકાયદેસર રીતે વસૂલ કરાયેલો પાણી વેરો કરદાતાને વ્યાજ સાથે પરત આપવા માટે પાલિકા શું કાર્યવાહી કરશે?

મોટા કૌભાંડની આશંકા: ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવી અન્ય કેટલી દુકાનો, શોપિંગ સેન્ટરો, વ્યાવસાયિક એકમો કે રહેણાંક મિલકતો છે, જ્યાં કનેક્શન ન હોવા છતાં “સ્પેશિયલ વોટર ટેક્સ” વસૂલીને જનતાને લૂંટવામાં આવી રહી છે?

“ટંકારાની જનતા પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે, પરંતુ સુવિધા આપ્યા વગર વેરો વસૂલવો એ પ્રજા સાથે છેતરપિંડી છે. નગરપાલિકા તાત્કાલિક આવી તમામ મિલકતોની યાદી જાહેર કરે અને આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરાવે. જો આમાં કોઈ વહીવટી ગેરરીતિ કે ભ્રષ્ટાચાર જણાશે, તો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે.”— ટંકારા નગરપાલિકા કોંગ્રેસ સમિતિ

હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ ટંકારા નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર આ મામલે શું ખુલાસો કરે છે અને ભોગ બનનાર વેપારીને ન્યાય મળે છે કે કેમ.

Back to top button
error: Content is protected !!