
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ઘટનાને એક વર્ષ પૂર્ણ : જિલ્લાના ત્રણ લોકોના થયા હતા મોત, આજે પણ વિમાન જોતા પરિવારની ભીંજાય છે આંખો – છેલ્લો વીડિયો બની ગયો અમૂલ્ય યાદ
આખા વિશ્વને હચમચાવી નાખનાર અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી આ કરુણ દુર્ઘટનાની યાદ આજે પણ મૃતકોના પરિવારજનોના મનમાંથી મટી નથી. એમ્બ્યુલન્સના સાયરન, લોકોની ચીસો અને ભયાનક દ્રશ્યો આજે પણ સ્વજનો ગુમાવનાર પરિવારોને ઝંઝોડી મૂકે છે. આકાશમાં વિમાન દેખાય ત્યારે પણ ઘણા પરિવારજનોની આંખો ભીની થઈ જાય છે

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક-ઓફ થયાના માત્ર 32 સેકન્ડ બાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના તેમજ જમીન પર રહેલા 19 લોકોના મોત સાથે કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.
અમદાવાદ પ્લેન ક્રેશમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની 35 વર્ષીય નુસરતજહા જેથરા, મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયશ્રીબેન પટેલ અને બાયડના કૈલાશબેન પટેલનું કરુણ અવસાન થયું હતું.
ખંભીસરના જયશ્રીબેન પટેલ લગ્ન બાદ લંડનમાં રહેતા પતિ પાસે જવા માટે નીકળ્યા હતા, જ્યારે બાયડની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન પટેલ પોતાના પુત્ર પાસે લંડન જવા રવાના થયા હતા. મોડાસાની નુસરતજહા જેથરા પણ આ ફ્લાઈટમાં સવાર હતા. પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તેમની આ યાત્રા અંતિમ યાત્રા બની જશે

જયશ્રીબેન પટેલનો એરપોર્ટ પર પરિવાર સાથેનો છેલ્લો વીડિયો તે સમયે સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જે આજે પણ પરિવાર માટે અમૂલ્ય યાદ બની રહ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને એરલાઈન્સ અને ટાટા કંપની દ્વારા સહાયરૂપે કુલ રૂ. 1 કરોડ 25 લાખની સહાય આપવામાં આવી હતી.

ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આર્યન અસારી આજે પણ તે કરુણ ક્ષણોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, આ દુર્ઘટનામાં અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી બેઠા હતા અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.
એક વર્ષ બાદ પણ 12 જૂન, 2025ની આ દુર્ઘટના સમગ્ર દેશ માટે દુઃખદ અને ક્યારેય ન ભૂલાય તેવી યાદ બની રહી છે.



