નવસારીમા ઇંધણ બચાવો અભિયાનને સાકાર કરતાં મેયર-કમિશનરની CNG બસમાં મેરેથોન ફિલ્ડ વિઝીટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને ચોમાસા પૂર્વે ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવા નવસારી મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે વિશેષ મેરેથોન ફિલ્ડ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે સરકારના “ઇંધણ બચાવો અભિયાન”ને સમર્થન આપતા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, અધિકારીઓ અને નગરસેવકો સહિત તમામ મહાનુભાવો એક જ CNG બસમાં પ્રવાસ કરી વિકાસકાર્યોનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા.

સવારથી શરૂ થયેલી મુલાકાત દરમિયાન સૌપ્રથમ ખંભલવ ખાતે નિર્માણાધીન કેટલ શેલ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની તૈયારીના ભાગરૂપે રોડ વિકાસ, રેન વોટર હાર્વેસ્ટિંગ, ઘાસચારાની સુવિધા, ડ્રેનેજ વ્યવસ્થા અને વૃક્ષારોપણ જેવા મુદ્દાઓ અંગે તંત્રને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને આગામી 15 દિવસમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી હતી.
ત્યારબાદ પ્રતિનિધિમંડળ એરુ તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અને વરસાદી પાણીના સંચય માટે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તળાવની આસપાસ વિકસાવવામાં આવી રહેલા વોક-વે, વરસાદી કાંસની સફાઈ અને જળસંગ્રહ ક્ષમતા વધારવા માટેના પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આગળ એ-વન બંગ્લોઝ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે રસ્તા પહોળા કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે અશોકનગર સોસાયટીમાં વર્ષોથી ચાલતી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાતના અંતિમ તબક્કામાં વિજલપોર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજ અને તેની આસપાસના સર્વિસ રોડ સહિતના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલ મંદિર નજીક વરસાદી કાંસના યોગ્ય નિકાલ અને ચોમાસા દરમિયાન સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા શહેરના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. શહેરના વિકાસ સાથે પર્યાવરણ જાળવણી અને ઇંધણ બચતનો સંદેશ આપતી આ ફિલ્ડ વિઝીટ નવસારી માટે એક અનોખી પહેલ બની છે.


