NAVSARINAVSARI CITY / TALUKO

મુદતલક્ષી અધ્યાપકોના વેતનવધારા અને અનુભવને માન્યતા આપવા સમસ્ત આદિવાસી સમાજની મુખ્યમંત્રીને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત મુદતલક્ષી અધ્યાપક સહાયકોની લાંબા સમયથી ચાલી આવતી વેતન અને સેવા સંબંધિત સમસ્યાઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સંસ્થાના પ્રમુખ ડૉ. પ્રવીણ પરસિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યની વિવિધ કોલેજોમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક મુદતલક્ષી અધ્યાપકો વર્ષોથી ખૂબ ઓછા વેતન પર શિક્ષણકાર્ય કરી રહ્યા છે. જ્યારે અન્ય કરાર આધારિત કર્મચારીઓ, જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયકોને વધુ વેતન ચૂકવવામાં આવે છે, ત્યારે મુદતલક્ષી વ્યાખ્યાતાઓને પ્રતિ કલાકના ધોરણે મર્યાદિત માનદ વેતન મળતું હોવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે.

રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોટાભાગના મુદતલક્ષી અધ્યાપકો પાસે Master’s Degree, NET, GSET તથા Ph.D. જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો છે અને તેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. તેમ છતાં તેમને યોગ્ય વેતન અને સેવા સુરક્ષાનો લાભ મળતો નથી. મુખ્ય માંગણીઓ

  • મુદતલક્ષી અધ્યાપક સહાયકોનું માસિક વેતન વધારી રૂ. 40,000 થી રૂ. 50,000 સુધી કરવામાં આવે.
  • તેમની સેવાઓને સત્તાવાર શિક્ષણ અનુભવ તરીકે માન્યતા આપવામાં આવે.
  • ભવિષ્યની ભરતી પ્રક્રિયામાં આ અનુભવને યોગ્ય વેઇટેજ આપવામાં આવે.
  • ઉચ્ચ લાયકાત ધરાવતા મુદતલક્ષી અધ્યાપકોના હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર યોગ્ય નીતિ ઘડે.

સમસ્ત આદિવાસી સમાજે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે યુવા અધ્યાપકોને આર્થિક તથા વ્યાવસાયિક રીતે સશક્ત બનાવવાની તાતી જરૂર છે. સંસ્થાએ રાજ્ય સરકારને આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!