CHOTILA:ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સંવેદનશીલ કામગીરી :૧૫ વર્ષની લાંબી લડત અને ન્યાયની જીત: જાણો કેવી રીતે મુક્ત થઈ તરણેતરની ૨૧ વીઘા જમીન?







CHOTILA ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સંવેદનશીલ કામગીરી :૧૫ વર્ષની લાંબી લડત અને ન્યાયની જીત: જાણો કેવી રીતે મુક્ત થઈ તરણેતરની ૨૧ વીઘા જમીન?


રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની જનકેન્દ્રિત અને ત્વરિત કામગીરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના પ્રખ્યાત તરણેતર ગામમાં છેલ્લા ૧૫ વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાં રહેલી ૨૧ વીઘા જમીન ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની કડક કાર્યવાહીને પગલે આખરે મુક્ત કરાવવામાં આવી છે. વર્ષો પછી પોતાની હક્કની જમીન પાછી મળતા મૂળ માલિકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, તરણેતર ગામે આવેલ સર્વે નંબર ૭૪૨ની કુલ ૨૧ વીઘા જમીન નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી તથા રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામીની માલિકીની હતી. જો કે, છેલ્લા અંદાજે ૧૫ વર્ષથી કેટલાક માથાભારે અને અસામાજિક તત્વોએ આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો. અરજદારોએ આ અંગે અગાઉ અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી, પરંતુ તેઓને ક્યાંયથી ન્યાય મળતો ન હતો.
છેવટે કંટાળીને અરજદારોએ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી. મામલાની ગંભીરતાને સમજીને નાયબ કલેક્ટરે નોંધ્યું હતું કે:
“જમીન માત્ર જીવન નિર્વાહનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિ અને તેના પરિવારની લાગણીઓ, ઓળખ, સ્વાભિમાન તથા વારસાગત અધિકારો સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. કોઈ નાગરિકને તેની કાયદેસરની જમીનથી વર્ષો સુધી વંચિત રાખવામાં આવે તે ખૂબ જ ગંભીર બાબત છે.”
આ બાબતે પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો વીંઝીને ત્વરિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા અસામાજિક તત્વો ડરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા અને જમીનનો કબજો ખાલી કરવો પડ્યો હતો.
લાંબી રાહ જોયા બાદ ૧૫ વર્ષે પોતાની ૨૧ વીઘા કિંમતી જમીન પરત મળતા પીડિત પરિવારે હાશકારો અનુભવ્યો છે. ગઈકાલ તારીખ ૧૧ જૂન ૨૦૨૬ના રોજ અરજદારોએ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રશાસનની આ સરાહનીય કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરીથી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ, પરિણામલક્ષી અને પારદર્શક કાર્યશૈલી સાબિત થઈ છે. સામાન્ય નાગરિકોમાં કાયદાના શાસન અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



