કાલોલના અડાદરા ગામે હિટ એન્ડ રન ઘરના: ઇક્કો ગાડીના ચાલકે રાહદારીને હડફેટે લીધો, ગંભીર ઈજા પહોંચાડી ચાલક ફરાર.

તારીખ ૧૨/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં ગાયત્રી મંદિર નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ઇક્કો ગાડીના ચાલકે રસ્તા પર ચાલતા જતા ફરિયાદીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેઓને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ફેક્ચર થયું છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અડાદરા રોડ પર સળકા બસસ્ટેન્ડ નજીક રહેતા અને વ્યવસાએ ડ્રાઇવિંગ કરતા વનરાજસિંહ મોહનસિંહ પરમાર (ઉં.વ. ૩૫) ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૬ના રોજ સવારે પોતાના ૮ વર્ષના દીકરા કુલદીપ સાથે અડાદરા બજારમાં વાળ-દાઢી કરાવવા તેમજ શાકભાજી ખરીદવા ગયા હતા. સવારે આશરે પોણા દશેક વાગ્યે જ્યારે તેઓ બજારમાંથી ખરીદી કરીને ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અડાદરા ગાયત્રી મંદિર નજીક રોડ પર આ અકસ્માત સર્જાયો હતો જ્યાં અકસ્માત સર્જી ઇક્કો ચાલક ફરાર થઇ ગયો છે. ત્યાં અડાદરા બસસ્ટેન્ડ તરફથી પુરઝડપે અને બેફામ રીતે આવી રહેલી ઇક્કો ગાડી (નંબર: GJ 06 KH 9589) ના ચાલકે વનરાજસિંહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વનરાજસિંહ રોડની સાઇડમાં ફેંકાઈ ગયા હતા, જ્યારે તેમની સાથે રહેલા માસૂમ દીકરા કુલદીપનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી પકડાઈ જવાના ડરે ઇક્કો ગાડીનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત વનરાજસિંહને ઉંચકીને નજીકના ગલ્લા પાસે લાવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોધરા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા, પરંતુ બે દિવસ પછી ડાબા હાથે અસહ્ય દુખાવો ઉપડતા તેમને વડોદરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન ડાબા હાથના કાંડાના ભાગે ફેક્ચર હોવાનું બહાર આવતા ડોક્ટરોએ ઓપરેશન કરવું પડ્યું હતું.સારવારમાંથી રજા મળ્યા બાદ અને તબિયતમાં સુધારો થતાં વનરાજસિંહે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(a), ૧૨૫(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







