કાલોલમાં જન કલ્યાણ શિબિર: બાર વર્ષ સેવા-સુશાસનની ઉજવણી અંતર્ગત ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે નાગરિકોને મળ્યો યોજનાઓનો લાભ.

તારીખ ૧૨/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ભવ્ય સફરના બાર વર્ષ પૂર્ણ થવાના અવસરે કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ નાગરિકો સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં આ શિબિરમાં આયુષ્માન કાર્ડ, પેન્શન યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિત અનેક સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લાભાર્થીઓની અરજીઓની પ્રક્રિયા પણ એક જ સ્થળે પૂર્ણ કરવામાં આવી, જેથી નાગરિકોને કચેરીના ધક્કા ખાવા ન પડે.
આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા બાર વર્ષમાં મોદી સરકારે ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પને સાકાર કર્યો છે. આવી શિબિરો સરકાર અને જનતા વચ્ચે સેતુનું કામ કરે છે. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ એક જ સ્થળે અનેક યોજનાઓનો લાભ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ,નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ પુર્વ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સહિત નગરપાલિકાના સભ્યો સાથે નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.







