MORBIMORBI CITY / TALUKO

MORBI:નબળા વર્ગો માટે સુખનું સરનામું એટલે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના: મોરબી જિલ્લામાં ગત વર્ષે ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯.૧૦ લાખની આર્થિક સહાય અર્પણ

 

 

નબળા વર્ગો માટે સુખનું સરનામું એટલે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના: મોરબી જિલ્લામાં ગત વર્ષે ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯.૧૦ લાખની આર્થિક સહાય અર્પણ

અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા અને ઘરવિહોણા પરિવારોને પાકું રહેઠાણ પૂરું પાડી તેમના સામાજિક ઉત્થાન માટે સરકારનો પ્રજાભિમુખ અભિગમ

નવા મકાન બાંધકામ માટે ચાર તબક્કામાં રૂ. ૧,૭૦,૦૦૦/- ની સહાય: ‘ઈ-સમાજ કલ્યાણ’ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લઈ શકાય

રાજ્યના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આવાસો પૂરા પાડવાના ઉમદા આશય સાથે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના’ અમલી છે. આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯,૧૦,૦૦૦ ના આર્થિક સહયોગથી પાકાં આવાસ સાથે સુખનું સરનામું મળ્યું છે.

સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં પ્રથમ હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૨૦.૪૦ લાખ, બીજા હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૪૯.૮૦ લાખ, ત્રીજા હપ્તાના ૫૮ લાભાર્થીઓને રૂ. ૧૮.૮૦ લાખ અને ચોથા હપ્તાના ૧ લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

 

તાલુકાવાર છણાવટ કરીએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૮૫ લાભાર્થીઓને રૂ. ૩૮,૮૦,૦૦૦/-, વાંકાનેર તાલુકામાં ૪૨ લાભાર્થીઓને રૂ. ૨૦,૨૦,૦૦૦/-, હળવદ તાલુકામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧૦,૭૦,૦૦૦/-, ટંકારા તાલુકામાં ૨૮ લાભાર્થીઓને રૂ. ૧૧,૪૦,૦૦૦/- તેમજ માળિયા તાલુકામાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૮,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવીને ઘરવિહોણા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.

 

આ યોજના અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, અથવા તદ્દન કાચું ગાર-માટીનું, ઘાસપૂળાનું કે કુબા ટાઈપનું રહેઠાણ અયોગ્ય મકાન ધરાવતા હોય તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માંગતા હોય, તેમને નવું મકાન બનાવવા માટે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. જેમાં વહીવટી મંજૂરીના હુકમ સાથે પ્રથમ હપ્તો રૂ. ૩૦,૦૦૦/-, પ્લિન્થ લેવલ પૂર્ણ થયેથી બીજો હપ્તો રૂ. ૮૦,૦૦૦/-, રૂફ કાસ્ટ (ધાબા) લેવલે ત્રીજો હપ્તો રૂ. ૧૫૦,૦૦૦/- અને શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી ચોથો હપ્તો રૂ. ૧૦,૦૦૦/- સીધો બેંક ખાતામાં જમા કરી નગરજનોને આર્થિક સહાઈ પુરી પાડવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થી કે પરિવારના સભ્યોએ અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

 

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પણ આ યોજનાનો વધુ ને વધુ જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નાગરિકોએ સરકારશ્રીના અધિકૃત પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે અને વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો જેવા કે ઓળખપત્ર, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો દસ્તાવેજ, તલાટીશ્રીની સહીવાળો ચતુર્દિશા નકશો અને ખુલ્લા પ્લોટ કે જર્જરિત મકાનનો ફોટો ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. આ યોજના અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે અરજદારો રૂમ નં. ૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકે છે.

 

‘ડો. આંબેડકર આવાસ યોજના’ માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન જ નહીં, પરંતુ સમાજના વંચિત વર્ગોને સન્માનભેર જીવન માટે ‘આવાસ’ પૂરું પાડી રહી છે. મોરબી જિલ્લામાં આ યોજના ૧૯૫ પરિવારોના ચહેરા પરની ખુશી નું કારણ બની છે. કાચા કૂબા અને જર્જરિત મકાનોમાંથી પાકા ઘર તરફ પ્રયાણ કરાવીને સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના સાચા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરી રહી છે.

 

 

Back to top button
error: Content is protected !!