ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં અસામાજિક તત્વોના કબજામાંથી 21 વિઘા જમીન મુક્ત કરાવી અરજદારોને સોંપાઇ

તા.12/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી સરકારી તંત્રની સંવેદનશીલતા અને ત્વરિત ન્યાયનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે તરણેતર ગામના ત્રણ ગરીબ અરજદારોની કિંમતી જમીન જે છેલ્લા ૧૫ વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાં હતી તેને ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ કાયદેસરની કડક કાર્યવાહી કરીને મુક્ત કરાવી મૂળ માલિકોને સોંપી દીધી છે ૧૫ વર્ષના લાંબા સંઘર્ષ બાદ પોતાની હક્કની જમીન પરત મળતા અરજદારોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તરણેતર ગામના સર્વે નંબર ૭૪૨ની કુલ ૨૧ વિઘા જમીન નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી તથા રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામીની માલિકીની હતી જો કે છેલ્લા ૧૫ વર્ષથી કેટલાક સ્થાનિક અસામાજિક તત્વોએ આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો પીડિત પરિવારે પોતાની જમીન પાછી મેળવવા માટે ભૂતકાળમાં અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી પરંતુ તેઓને ક્યાંયથી ન્યાય મળ્યો ન હતો! છેવટે આ મામલો ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ પહોંચ્યો હતો નાયબ કલેક્ટરે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી તેમણે આ કેસ દરમિયાન એક સંવેદનશીલ અવલોકન કરતા જણાવ્યું હતું કે “જમીન એ માત્ર કોઈ વ્યક્તિના જીવન નિર્વાહનું સાધન નથી પરંતુ તે વ્યક્તિ અને તેના પરિવારની લાગણીઓ, ઓળખ, સ્વાભિમાન તથા વારસાગત અધિકારો સાથે પણ ગાઢ રીતે સંકળાયેલી હોય છે કોઈ સામાન્ય નાગરિકને તેની કાયદેસરની માલિકીની જમીનથી વર્ષો સુધી વંચિત રહેવું પડે તે ખૂબ જ ગંભીર બાબત છે આ કેસમાં કાયદાકીય પાસાઓ તપાસીને ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક અસરકારક પગલાં લીધા હતા અને અસામાજિક તત્વોના ચુંગાલમાંથી આ ૨૧ વિઘા જમીન ખાલી કરાવી હતી પ્રશાસનની આ સરાહનીય પ્રક્રિયાના પરિણામે ગૌસ્વામી પરિવારે ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ હાજર રહીને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવુક બનીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.


