MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાની ડાભલા જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિરમાં સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર

વિજાપુર તાલુકાની ડાભલા જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિરમાં સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિજાપુર તાલુકાની ડાભલા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત પામોલ સમાજવાડી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.શિબિર દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ સરકારની વિવિધ સહાય યોજનાઓ, સામાજિક સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને સ્વરોજગારી સંબંધિત યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો સીજે ચાવડા અને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની દરેક યોજના સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી સરકાર સતત કાર્યરત છે અને નાગરિકોએ યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ તેમ ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતુ. આ શિબિરમાં તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, ડાભલા જિલ્લા પંચાયત સીટના સભ્ય રેખાબા વિહોલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અલ્પેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપભાઈ પટેલ, તાલુકા સભ્ય ચંદનજી ઠાકોર, તાલુકા સભ્ય રમેશસિંહ, તાલુકા સભ્ય સરોજભાઈ, પૂર્વ જિલ્લા સભ્ય કનકસિંહ વિહોલ, ખેતી બેન્કના ચેરમેન રામજીભાઈ ચૌધરી, મામલતદાર એ.પી. ભાટી, ગામના સરપંચ સહિત જિલ્લા પંચાયત સીટના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!