JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ રક્તદાતા દિવસ” ની ભવ્ય ઉજવણી : કલેક્ટર કચેરી ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતે રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી : કુલ ૪૪ યુનિટ રક્ત એકત્રિત કરાયું

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતે રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી : કુલ ૪૪ યુનિટ રક્ત એકત્રિત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે જિલ્લા કક્ષાના ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમની વિધિવત શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતાં રક્તદાનના મહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો હતો અને આ પુણ્ય કાર્યમાં જોડાવા બદલ સૌને બિરદાવ્યા હતા.
​કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડમાં યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતે સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજને એક ઉત્કૃષ્ટ સંદેશ આપ્યો હતો અને અન્ય લોકોને પણ આ સેવાયજ્ઞમાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પ દરમિયાન સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તેમજ ફોગ્સી (FOGSI) ના ખાનગી તબીબો, અને રોટરી ક્લબના ચેરમેન તથા સભ્યોના સહયોગથી કુલ ૪૪ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ એકત્રિત થયેલું રક્ત સિવિલ હોસ્પિટલ, જૂનાગઢની બ્લડ બેંકને સુપ્રત કરાયું છે.
રક્તદાન કરનાર તમામ સેવાભાવી રક્તદાતાઓને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોરના હસ્તે માનદ પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ રક્તદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને નિયમિત રક્તદાન કરવા માટેના શપથ (પ્રતિજ્ઞા) લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વૈચ્છિક રક્તદાતાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે, જે અંતર્ગત આ વર્ષની થીમ “One Drop of Humanity, Give Blood, Save Lives” (માનવતાનું એક ટીપું, રક્ત આપો, જીવન બચાવો) રાખવામાં આવી છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ બ્લડ ડોનેશન કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. તદુપરાંત, તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (PHC & CHC) ખાતે નાગરિકો માટે મફત બ્લડ ગ્રુપ ટેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ જિલ્લા કક્ષાના સફળ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનોજ સુતરીયા, જિલ્લા ટીબી અને એચ.આઈ.વી. અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!