જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથા મહોત્સવ: શંકરભાઈ ચૌધરીએ કમિટી હોલ માટે રૂ. 11 લાખની સહાય જાહેર કરી

વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
થરાદ તાલુકાના વજેગઢ ગામે કૈલાસ ટેકરી સ્થિત જડેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ તથા થરાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કથાના આયોજનને બિરદાવી ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરીએ જડેશ્વર મહાદેવ કમિટી હોલના નિર્માણ માટે રૂ. 11 લાખ (અગિયાર લાખ) જેવી માતબર રકમની સહાય જાહેર કરતાં ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
ભાગવત કથાના મુખ્ય યજમાન તરીકે અતિત ગુલાબગીરી શાંતિગીરી મહારાજ દ્વારા બુઢનપુરથી પોથીયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોથીયાત્રા વાજતે-ગાજતે, સામૈયા તથા હરિભક્તોના જયઘોષ વચ્ચે વજેગઢ પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે અતિત ગુલાબગીરી શાંતિગીરી, અરવિંદગીરી, રાસેનગીરી ગૌસ્વામી, રમેશગીરી, પ્રભુગીરી, હેમગીરી, દિનેશગીરી, ભાણગીરી સહિતના સંતો તેમજ સેવાભાવી ભક્તજનો દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે.
કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાશ્રવણ માટે ઉમટી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.



