લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે ખૂની ખેલ, પોલીસ તપાસ શરૂ
લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે હત્યા, ફાયરિંગ બાદ ધારદાર હથિયારોથી હુમલો

ભવાની પાર્લર નજીક બનેલી ઘટનાથી વિસ્તારમાં ચકચાર, મૃતક અને હુમલાખોરો બહારગામના હોવાની ચર્ચા
લાખણી તાલુકાના કુવાણા ગામમાં આવેલ ભવાની પાર્લર નજીક શુક્રવારે ધોળા દિવસે હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, ભવાની પાર્લર પાસે એક વ્યક્તિ બેઠેલો હતો ત્યારે અચાનક કેટલાક શખ્સો ગાડીમાં ત્યાં આવી પહોંચ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગાડીમાં આવેલા શખ્સોએ પહેલા ફાયરિંગ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ બે હુમલાખોરોએ પાર્લર પાસે બેઠેલા વ્યક્તિનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો અને જમીન પર પાડી તેના પર ધારિયા તેમજ અન્ય ધારદાર હથિયારોથી ઘાતક હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ બનેલા વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કુવાણા ગામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મૃતક તેમજ હુમલાખોરો ગામના સ્થાનિક રહેવાસી ન હોવાનું અને તેઓ બહારગામના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પોલીસની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો, અને વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાથી કુવાણા સહિત સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.



