MORBI મોરબીના જેતપરની ઉપવાસ છાવણીમાં જીગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો: ૧૫ જૂને ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચનું આહ્વાન







MORBI મોરબીના જેતપરની ઉપવાસ છાવણીમાં જીગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો: ૧૫ જૂને ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચનું આહ્વાન



મોરબી તાલુકાના જેતપર ગામે જમીન અને વળતરના પ્રશ્નોને લઈને ખેડૂતો દ્વારા ચાલી રહેલા પ્રતીક ઉપવાસ આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ આંદોલનની છાવણીની મુલાકાતે પહોંચેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતોને તેમના હકનું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા અપીલ કરી હતી, સાથે જ ૧૫ જૂનના રોજ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચી આંદોલનને વધુ મજબૂત કરવા માટે હાંકલ કરી હતી.જેતપર ગામે ચાલી રહેલા આ પ્રતીક ઉપવાસની મુલાકાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપરાંત પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, પંકજ રાણસરિયા અને મનોજ પનારા સહિતના અગ્રણી નેતાઓ પહોંચ્યા હતા. તમામ આગેવાનોએ ઉપવાસી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની પડતર માંગણીઓ અને જમીન-વળતર અંગેની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી અને ખેડૂતોની લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.ખેડૂતોની જનમેદનીને સંબોધતા જીગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, > “દેશમાં મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં દિન-પ્રતિદિન અધધ વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ દેશનો અન્નદાતા ખેડૂત, મજૂર અને સામાન્ય વર્ગ આર્થિક મુશ્કેલીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે.”

તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ટેકાના ભાવ મળી રહ્યા નથી. આ ઉપરાંત સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગરીબ કામદારોનું વ્યાપક શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.સરકારની આર્થિક નીતિઓની આલોચના કરતા ધારાસભ્યએ જણાવ્યું કે ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તેમજ શિક્ષણ અને આરોગ્ય પાછળ થતો ખર્ચ આસમાને પહોંચ્યો છે. ખેતીના સાધનો અને ખાતર મોંઘા થતા ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ તેની સામે ખેડૂતોની આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. આ સાથે જ તેમણે કથળતી સરકારી આરોગ્ય સેવાઓ અને જાહેર જનતાને પડતી હાલાકીઓનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો.પોતાના સંબોધનના અંતમાં મેવાણીએ ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરવા અને મક્કમતાથી લડત ચાલુ રાખવા પ્રેરણા આપી હતી. આગામી ૧૫ જૂનના રોજ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેને પગલે આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.



