ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.



સમીર પટેલ, ભરૂચ
દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો,નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળવા સહિતના વિવિધ જનહિતના પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં અનોખી રીતે પ્રતિકાત્મક કાર્યક્રમો યોજ્યા હતા.જેમાં લારી પર મોપેડ મૂકી વધતા પેટ્રોલ- ડીઝલના ભાવોથી સામાન્ય જનતા પર પડી રહેલા આર્થિક બોજને ઉજાગર કરવામાં આવ્યો હતો. ઉપરાંત “મોંઘવારીની જેલ”નું પ્રતિકાત્મક નિર્માણ કરી સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનનું રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે,જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. રસોઈ ગેસ,ઇંધણ, ખાદ્ય ચીજવસ્તુ ઓ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખર્ચમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરતાં સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનો એ ચેતવણી આપી હતી કે જો મોંઘવારી સહિતના જનહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




