કચ્છમાં ઉચ્ચ શિક્ષણ આપતા ‘હાઈ-સ્કિલ્ડ’ પ્રાધ્યાપકોનું આર્થિક શોષણ ક્યાં સુધી?: શૈક્ષણિક ગુણવત્તા જાળવવા યુનિવર્સિટી અને સત્તાધિકારીઓ મધ્યસ્થી બને તે સમયની માંગ!
કૉલેજના કાર્યક્રમોમાં અવારનવાર હાજરી આપતા સ્થાનિક લોકપ્રતિનિધિઓ વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સપનાને રોડાતું બચાવવા આગળ આવે તેવી માંગ

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છમાં ઉચ્ચ શિક્ષણ આપતા ‘હાઈ-સ્કિલ્ડ’ પ્રાધ્યાપકોનું આર્થિક શોષણ ક્યાં સુધી?: શૈક્ષણિક ગુણવત્તા જાળવવા યુનિવર્સિટી અને સત્તાધિકારીઓ મધ્યસ્થી બને તે સમયની માંગ!
૦૦૦
વિવિધ વર્તમાનપત્રોમાં સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં થતા શોષણના અહેવાલ પ્રસિદ્ધ થતાં જાગૃત નાગરિકોએ કરી માંગ
૦૦૦
કેન્દ્ર સરકારના અકુશળ મજૂરના લઘુત્તમ વેતન (રૂા. ૨૦,૩૫૮) સામે નેટ, સેટ અને પીએચ.ડી. ધરાવતા પ્રોફેસરોને માત્ર રૂા. ૧૦,૫૦૦ થી ૧૬,૫૦૦ જેટલું નજીવું વેતન?
૦૦૦
વધારે પગાર મેળવવા કૉલેજોના ક્વાલિફાઈડ પ્રોફેસરો હવે પ્રાથમિક શાળામાં જોડાવા મજબૂર: ભગ્ન હૃદયે આપશે રાજીનામા?!?
૦૦૦
યુનિવર્સિટીના મહત્વના વહીવટી કાર્યોમાં અગ્રેસર રહેતા સેલ્ફ-ફાઇનાન્સ પ્રોફેસરોને જ વેકેશનના પગાર અને પી.એફ.થી વંચિત રાખવા કેટલા અંશે યોગ્ય?
૦૦૦
કૉલેજના કાર્યક્રમોમાં અવારનવાર હાજરી આપતા સ્થાનિક લોકપ્રતિનિધિઓ વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સપનાને રોડાતું બચાવવા આગળ આવે તેવી માંગ
મુંદરા, તા.૧૪:
કચ્છ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનું સુકાન સંભાળતી એકમાત્ર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં કાર્યરત પ્રાધ્યાપકોના વેતન અને કર્મચારી હકોનો મુદ્દો હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં વિવિધ વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક પ્રાધ્યાપકોને નિયત ધારાધોરણો કરતાં ખૂબ જ ઓછું વેતન મળી રહ્યું હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી છે.
એક તરફ ૧લી એપ્રિલ ૨૦૨૬થી કેન્દ્ર સરકાર દ્વારા અકુશળ કામદાર (અભણ મજૂર) માટે પણ લઘુત્તમ માસિક વેતન રૂા. ૨૦,૩૫૮ નક્કી કરાયું છે ત્યારે રાત-દિવસ મહેનત કરીને નેટ, જીસેટ કે પીએચ.ડી. જેવી કઠિન ડિગ્રીઓ મેળવનાર ‘હાઈ-સ્કિલ્ડ’ પ્રોફેસરોને કેટલીક સંસ્થાઓમાં માત્ર ૧૦,૫૦૦ થી ૧૬,૫૦૦ રૂપિયામાં પૂર્ણ સમયના સહાયક અધ્યાપક તરીકે સેવા આપવી પડે છે જે શૈક્ષણિક ક્ષેત્ર માટે ચિંતાજનક બાબત છે. તેમાં પણ દોઢથી બે મહિનાના વેકેશન દરમિયાન પગાર ન મળવો તે પ્રાધ્યાપકોના પરિવારો માટે આર્થિક અસુરક્ષા ઊભી કરે છે.
વધારે પગાર મેળવવા પ્રોફેસરો હવે પ્રાથમિક શાળામાં જોડાવા મજબૂર: કૉલેજો ખાલી થતાં યુવાનોના ભવિષ્ય સામે સવાલ!
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કૉલેજના યુવાનોને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા કરનાર આ ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો હવે આર્થિક ભીંસના કારણે માનસિક તણાવમાં જીવી રહ્યા છે. હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસમાં ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળાઓમાં માસિક રૂપિયા ૨૧,૦૦૦ ના પગારે જ્ઞાનસહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરાતાં કૉલેજના અનેક ક્વોલિફાઇડ પ્રોફેસરો નાછૂટકે પોતાની પ્રતિષ્ઠિત નોકરીઓમાંથી રાજીનામા આપવા મજબૂર બન્યા છે. કૉલેજ કરતાં પ્રાથમિક શાળામાં બમણો પગાર મળતો હોવાથી અનેક પ્રાધ્યાપકો અત્યારથી જ ભગ્ન હૃદયે પોતાના રાજીનામાના પત્રો તૈયાર કરી રહ્યાના સમાચાર છે. જો સમયસર આ પ્રોફેસરોના વેતનનો ઉકેલ નહીં આવે તો કચ્છની સેલ્ફ-ફાઇનાન્સ કૉલેજોમાં કોઈ ક્વોલિફાઇડ પ્રોફેસર કામ કરવા પણ તૈયાર નહીં થાય. પરિણામે લાયક પ્રોફેસરો વગર ખાલી થઈ ગયેલી કોલેજની સીધી નકારાત્મક અસર દેશના એ યુવાધન પર પડશે જેના ભરોસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતનું બહુ મોટું સપનું જોઈ રહ્યા છે.
સ્થાનિક લોકપ્રતિનિધિઓના નાક નીચે જ વડાપ્રધાનશ્રીનું સપનું રોડાશે?
અહીં નોંધનીય બાબત એ છે કે કચ્છના ધારાસભ્ય અને સંસદસભ્ય (તમામ ભાજપાના) જેવા અગ્રણી નેતાઓ કૉલેજના શૈક્ષણિક કાર્યક્રમોમાં અવારનવાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા હોય છે. પોતાના પ્રેરણાદાયી ભાષણોની શરૂઆત પણ દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામથી કરીને યુવાનોને રાષ્ટ્રનિર્માણની પ્રેરણા આપતા લોકપ્રતિનિધિઓની આંખ સામે જ જો ઉચ્ચ શિક્ષણનું આ રીતે પતન થાય તો તે ભારે આશ્ચર્ય સાથે દુઃખ જન્માવે છે. વડાપ્રધાનશ્રીના વિઝનને આત્મસાત કરનારા આ નેતાઓના નાક નીચે જ જો લાયકાત ધરાવતા પ્રોફેસરો આર્થિક મજબૂરીના કારણે કૉલેજો છોડીને પ્રાથમિક શાળાઓ તરફ પ્રયાણ કરશે તો કચ્છના કૉલેજિયન યુવાનોને ઉચ્ચ શિક્ષણ કોણ આપશે? સ્થાનિક લોકપ્રતિનિધિઓ આ ગંભીર બાબતની નોંધ લઈ સરકાર અને યુનિવર્સિટી કક્ષાએ રજૂઆત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ છે.
જવાબદારી સોંપવામાં મોખરે, તો હકોની બાબતમાં ઉદાસીનતા કેમ?
કોલેજોમાં અભ્યાસ કરાવવાની સાથે-સાથે આ પ્રાધ્યાપકો યુનિવર્સિટીની અનેક મહત્વની કામગીરીઓ જેવી કે પ્રવેશ પ્રક્રિયા, ફી ઉઘરાવવી, પરીક્ષાઓનું સુપરવિઝન અને પેપર ચેકિંગ પણ પૂરતી નિષ્ઠાથી નિભાવે છે. આશ્ચર્યની વાત એ છે કે બે મહિના અગાઉ વાર્ષિક પરીક્ષાઓ દરમિયાન જ્યારે કાયમી પ્રોફેસરો સરપ્રાઇઝ ચેકિંગ (સ્કવોડ)ની કામગીરીમાં જોડાઈ શક્યા ન હતા ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ સેલ્ફ-ફાઇનાન્સના સહાયક અધ્યાપકોની કાર્યક્ષમતા પર ભરોસો મૂકીને તેમને સરપ્રાઇઝ ચેકિંગના વિશેષ અધિકારો આપતા હુકમો કર્યા હતા અને પ્રોફેસરોએ આ જવાબદારી સફળતાપૂર્વક પાર પણ પાડી હતી. આમ જ્યારે વહીવટી અને શૈક્ષણિક કામગીરી માટે આ પ્રોફેસરો યુનિવર્સિટીના આદેશોનું પાલન કરતા હોય ત્યારે તેમના ન્યૂનતમ વેતન, પી.એફ. કે વેકેશનના પગાર જેવા મૂળભૂત પ્રશ્નો વખતે “આ બાબત જે-તે કોલેજ અને એમ્પ્લોયર વચ્ચેની છે” તેવું કહીને વહીવટીતંત્ર દ્વારા કોઈ યોગ્ય માર્ગદર્શન ન મળવું તે આ ઉચ્ચ શિક્ષિત વર્ગનું મનોબળ તોડે છે.
યુનિવર્સિટી અને સંચાલકોને નમ્ર અપીલ:
કોઈપણ કોલેજ સંચાલકો કે વહીવટીતંત્રને નુકસાન પહોંચાડવાનો કોઈનો ઈરાદો નથી કારણ કે આ સંસ્થાઓ જ કચ્છના યુવાનોના ભવિષ્યનું નિર્માણ કરે છે. પરંતુ પ્રાધ્યાપકો ચિંતામુક્ત અને ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવી શકે તે માટે કચ્છ યુનિવર્સિટીના સત્તાધિકારીઓ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ મધ્યસ્થી બને તે જરૂરી છે. યુનિવર્સિટી કમિટી દ્વારા યુજીસી અને સરકારના મિનિમમ વેતનના નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે કોલેજ સંચાલકો સાથે સકારાત્મક બેઠક યોજે અને એક સંતોષકારક મધ્યમ માર્ગ કાઢે જેથી કચ્છના ઉચ્ચ શિક્ષણની ગરિમા અને શૈક્ષણિક ગુણવત્તા બંને જળવાઈ રહે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



