AHAVAVALSAD

નવસારી:ગૌરી આશ્રમશાળામાં પાણીનો ગંભીર સંકટ : નિવૃત આચાર્ય ગોકુળ પટેલ સામે પાણીનું જોડાણ કાપ્યાનો આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

વિદ્યાર્થીઓ માટે દરરોજ ટેન્કર મંગાવવાની ફરજ, કાર્યવાહી નહીં થાય તો કોર્ટના શરણે જવાની ચીમકી

ખેરગામ તાલુકાની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત ગૌરી આશ્રમશાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. આશ્રમશાળાના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ નિવૃત આચાર્ય ગોકુળ મેરજીભાઈ પટેલ સામે સરકારી બોરના પાણીનું જોડાણ કાપી નાખી આશ્રમશાળાના વિદ્યાર્થીઓને પાણીથી વંચિત કર્યાનો ગંભીર આક્ષેપ કરતાં સરપંચ તથા આશ્રમશાળા અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ આશ્રમશાળાને છેલ્લા ઘણા વર્ષોથી પાણી પુરવઠા વિભાગના બોર મારફતે પીવાનું પાણી મળતું હતું. બિપીનભાઈ ગરાસિયાના આક્ષેપ અનુસાર ગોકુળ પટેલ આ બોરના પાણીનો પોતાના અંગત ઉપયોગ માટે પણ વપરાશ કરતા હતા અને તેનું મેન્ટેનન્સ ખર્ચ પણ ટ્રસ્ટ પાસેથી વસૂલતા હતા. તાજેતરમાં આશ્રમશાળામાં રહેલ આંબા ના  ઝાડો પરથી  ગોકુળ સામે  કેરી ચોરીની થયેલ ફરિયાદ બાદ ગોકુળ  એ પોતાના કબજાવાળા વિસ્તારમાં આવેલ સરકારી બોરનું જોડાણ કાપી નાખ્યું, મોટર હટાવી દીધી અને બોરને ઢાંકી દીધો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. જેના કારણે આશ્રમશાળાનો પાણી પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો.

પાણીની સમસ્યા દૂર કરવા ટ્રસ્ટીઓએ તાત્કાલિક જૂના બોરને ફરી કાર્યરત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ત્યારબાદ નવો બોર પણ કરવામાં આવ્યો હતો, છતાં પૂરતું પાણી ન મળતાં આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે ટેન્કર જ એકમાત્ર વિકલ્પ બન્યો છે. હાલ દરરોજ બે થી ત્રણ વખત ટેન્કર મંગાવી વિદ્યાર્થીઓની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ટ્રસ્ટીઓ જણાવી રહ્યા છે

આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને આગેવાનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વ્યક્તિગત મતભેદો ગમે તેટલા હોય, પરંતુ તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને બનાવવો યોગ્ય નથી. ખાસ કરીને ગરીબ અને આદિવાસી બાળકોના પીવાના પાણી જેવા મૂળભૂત અધિકાર સાથે ચેડાં કરાયા હોવાના આક્ષેપોને લઈને લોકોમાં નારાજગી ફેલાઈ છે.

સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલે ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલનો સંપર્ક કરીને કાર્યવાહી અંગે માહિતી મેળવી હતી. સરપંચે જણાવ્યું હતું કે ગોકુળ પટેલને નોટિસ ફટકારી પાંચ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ નોટિસનો સમય પૂર્ણ થયા બાદ પણ ગોકુળ પટેલ દ્વારા કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી.

ગ્રામજનોનું કહેવું છે કે માત્ર નોટિસ આપવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. વિદ્યાર્થીઓને પાણીથી વંચિત કરી દેનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો ગ્રામપંચાયત સમયસર પગલાં નહીં ભરે તો તેની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થશે. બિપીનભાઈ ગરાસિયાએ ચેતવણી આપી છે કે જો સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આશ્રમશાળાના વિદ્યાર્થીઓના હિતમાં અદાલતમાં જાહેર જનહિત યાચિકા દાખલ કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ ગૌરી સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

Back to top button
error: Content is protected !!