RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી નિમિત્તે રક્તદાન, હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા

તા.૧૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

હવાઈ મુસાફરોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું, અરાઈવલ હોલમાં ગરબા ગુજ્યા

એવિએશન ક્ષેત્રની નારી શક્તિ અને હાઉસકીપિંગ સ્ટાફનું સન્માન કરાયું

એક પેડ માઁ કે નામ ૩.૦ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૫મી જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

એરપોર્ટ ઓથોરિટી તરફથી મળેલી વિગતો મુજબ, આજે યાત્રી દિવસની ઉજવણી નિમિત્તે હવાઈ યાત્રીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. એરપોર્ટમાં અરાઈવલ હોલમાં પરંપરાગત વેશમાં બહેનોના વૃંદે ગરબા કર્યા હતા. જેના કારણે એરપોર્ટમાં જાણે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

આ અવસરે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૫૧ વ્યક્તિઓના આરોગ્યની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ સાથે અહીં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં અધિકારીઓ, સી.આઈ.એસ.એફ.ના સુરક્ષા જવાનો સહિતનાઓએ રક્તદાન કર્યું હતું. કુલ મળીને ૩૬ બોટલ રક્ત એકત્ર થયું હતું.

આ તકે અહીં સામુહિક વંદે માતરમ ગાન કરાયું હતું. ઉપરાંત હવાઈ ક્ષેત્રમાં કાર્યરત ૧૧ મહિલાઓનું નારી શક્તિ તરીકે સન્માન કરાયું. જેમાં સી.આઈ.એસ,એફ.ના ત્રણ, ઈન્ડિયો તથા એર ઈન્ડિયાના ત્રણ-ત્રણ, વેન્ટુરા તેમજ એ.આઈ.એ.એસ.એલ.ના એક-એક મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે અને ૦૬ હાઉસકીપિંગ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

અહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફોટો સાથે એક વિશેષ સેલ્ફી બૂથ બનાવાયું હતું. જેમાં અનેક મુસાફરોએ સેલ્ફી લઈને આ ક્ષણોને યાદગાર બનાવી હતી.

ઉપરાંત એક પેડ માઁ કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત અહીં ૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન કાળમાં છેલ્લા ૧૨ વર્ષમાં હવાઈ ઉડ્ડયન અને માળખાકીય ક્ષેત્રમાં વ્યાપક વિકાસ, હવાઈ મુસાફરોની સુવિધામાં ઘણો વધારો થયો છે. જેને ઉજાગર કરતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના તમામ એરપોર્ટસ પર આજે યાત્રી સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!