નવસારીમાં મહિલાશક્તિનો યોગ મહાકુંભ : 5 હજારથી વધુ બહેનોએ સામૂહિક યોગ કરી સ્વસ્થ ભારતનો સંકલ્પ લીધો
પ્રધાનમંત્રી મોદીના સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષ તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી અંતર્ગત નવસારી શહેરમાં મહિલાઓ માટે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ અને નારીશક્તિના અનોખા સમન્વયરૂપ આ કાર્યક્રમમાં નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 5 હજારથી વધુ મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા સ્વસ્થ અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં જણાવાયું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે અનેક ઐતિહાસિક પહેલો કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના પ્રયાસોથી રાજ્યભરમાં યોગને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે.
આ પ્રસંગે નવસારીના મેયર શ્રી અશોકભાઈ ધોરાજિયા, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી અશોકભાઈ અગ્રવાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાણી, પ્રાંત અધિકારી શ્રી જનમભાઈ ઠાકોર, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી શીતલબેન સોની, એનસીસીના કર્નલ શ્રી ગૌરવજી, નેતા પ્રતિપક્ષ શ્રી નરેશભાઈ તેમજ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત વિવિધ રાજકીય, સામાજિક અને વહીવટી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ યોગ મહાકુંભે નવસારીમાં સ્વાસ્થ્ય જાગૃતિ, મહિલા એકતા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને નવી દિશા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ “યોગયુક્ત, નિરોગી અને વિકસિત ભારત”ના નિર્માણ માટે સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો.




