MORBIMORBI CITY / TALUKO

Kuch:કચ્છના આડેસરમાં હાઈવે પર આરોપીએ દબાવેલી સરકારી જમીન પર બનશે અત્યાધુનિક પોલીસ સ્ટેશન

 

Kuch:કચ્છના આડેસરમાં હાઈવે પર આરોપીએ દબાવેલી સરકારી જમીન પર બનશે અત્યાધુનિક પોલીસ સ્ટેશન

પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે ગુનેગાર હારુન અયુબ હિંગોરજાના કબ્જામાંથી મુક્ત કરાવેલી આશરે ૧૦,૦૦૦ ચોરસ મીટર જમીન હવે જનતાની સુરક્ષા માટે વપરાશે

સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા જમીનની મંજૂરી મળતા જ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં તમામ આધુનિક સુવિધાઓ, વિશાળ કમ્પાઉન્ડ અને ગાર્ડન સાથેના નવા ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરાશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના ગુનેગારો અને ભુમાફિયાઓ પ્રત્યેના અત્યંત કડક વલણ અને ‘ઝીરો ટોલરન્સ’ નીતિના પરિણામે પૂર્વ કચ્છના આડેસર ખાતે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી સરકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે રાધનપુર-સામખીયારી હાઈવે પર વન વિભાગની કચેરી નજીક આવેલી કરોડોની સરકારી જમીનને ભૂતકાળમાં કુખ્યાત ગુનેગાર હારુન અયુબ હિંગોરજા દ્વારા દબાવી દેવામાં આવી હતી અને ત્યાં ‘સહારા હોટલ’નું ગેરકાયદેસર નિર્માણ કરાયું હતું. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આશરે ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી આ વિશાળ સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સ્પષ્ટ નિર્દેશો છે કે ગુનેગારો દ્વારા પચાવી પાડેલી સંપત્તિઓ અને જમીનોનો ઉપયોગ જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે જ થવો જોઈએ. આ જ નીતિને આગળ ધપાવતા, આડેસર પોલીસ દ્વારા આ મુક્ત કરાયેલી જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે સરકાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી.

આ પ્રશંસનીય માંગણીને સરકારે તાકીદે મંજૂરી આપી દીધી છે, જેના પગલે આજે વિધિવત રીતે આ જમીનનો કબજો મેળવી નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઐતિહાસિક ક્ષણે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી શરૂ કરાવી હતી.

નવા પોલીસ સ્ટેશનની વિશેષતાઓ અને સુવિધાઓ:આ જમીન પર ટૂંક સમયમાં જ ‘ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ’ દ્વારા અતિ આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ નવા ભવનમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાશે:

પીઆઇ (PI) માટે ચેમ્બર,લોકઅપ અને સ્ટાફ રૂમ, ક્રાઈમ રેકોર્ડ રૂમ અને પીએસઓ (PSO) રૂમ પોલીસ કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે વિશાળ કમ્પાઉન્ડ તથા આહલાદક ગાર્ડન હાઈવે પેટ્રોલીંગ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે:

રાધનપુર-સામખીયારી હાઈવે પર જ આ નવું પોલીસ સ્ટેશન આકાર લઈ રહ્યું હોવાથી, પૂર્વ કચ્છના આ પ્રવેશદ્વાર પર પોલીસની પકડ વધુ મજબૂત બનશે. હાઈવે પેટ્રોલીંગ અત્યંત અસરકારક બનશે, જેથી વાહનચાલકોની સુરક્ષા વધશે અને સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ગુનેગારો માટે લાલબત્તી સમાન છે અને પ્રજાનો પોલીસ તથા કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરનારો સાબિત થશે.

Back to top button
error: Content is protected !!