દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જમીન ના અને મનરેગા ના વિવિધ પ્રશ્નોને લઈ દાહોદ જિલ્લા ના ખેડૂતોએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજનાના અમલીકરણમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રમિકોના યુનિયને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ રજૂઆત રોજગાર અને સ્થાનિક સુવિધાઓ સંબંધિત છે.
યુનિયન દ્વારા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૪-૨૦૨૬ દરમિયાન મંજૂર થયેલા ૪,૦૦૦ થી વધુ જૂથ કૂવાઓનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, તાલુકા પંચાયતો દ્વારા મટીરીયલ એજન્સી ન નીમાતા તેનું પાકું બાંધકામ અટકેલું છે. ચોમાસામાં આ કૂવાઓ ધસી પડવાનો ભય હોવાથી મટીરીયલની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવાની માંગ કરવામાં આવી છે.ફતેપુરા તાલુકામાં પાણીના સ્ત્રોત વધારવા માટે જૂના કૂવા ઊંડા કરવા તેમજ વન અધિકારની જમીનોમાં ચેકડેમ અને લેન્ડ લેવલીંગ જેવા વ્યક્તિગત કામો શરૂ કરવાની પણ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, વાંગડ, ભીચોર, ઘુઘસ, જગોલા અને જલાઈ ગામોમાં પ્રોટેક્શન વોલ, કેટલ શેડ અને વનીકરણ જેવા નવા કામો તાકીદે મંજૂર કરવા માટે પણ યાદી સોંપવામાં આવી છે.મજૂરોને ‘ફેસ ટુ ફેસ’ ઓનલાઈન હાજરી પૂરવામાં ટેકનિકલ ખામીઓના કારણે નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે સામુહિક ઓનલાઈન હાજરીની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે, જેથી શ્રમિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય. યુનિયને આ પ્રશ્નોનો વહેલો નિકાલ લાવવા વિનંતી કરી છે, જેથી રોજગારી અર્થે થતું સ્થળાંતર અટકે અને શ્રમિકોના બાળકોનું શિક્ષણ અને આરોગ્ય સચવાય.આ જ સંદર્ભમાં, દાહોદ જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ ના અમલીકરણ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ‘એકલવ્ય સંગઠન’ દ્વારા સરકાર સમક્ષ આદિવાસી ખેડૂતોના જમીન સંબંધી પ્રશ્નોના ત્વરિત નિકાલની માંગ કરવામાં આવી છે.સંગઠને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૮ થી અમલમાં આવેલા આ કાયદાના ૧૮ વર્ષ પછી પણ આદિવાસી ખેડૂતોની જમીન સંબંધી પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. દાહોદ જિલ્લાના ૪૨૬ ગામોમાંથી વન અધિકાર હેઠળ કુલ ૨૦,૧૫૦ ખેડૂતોએ દાવા અરજીઓ કરી હતી. તેમાંથી જૂન ૨૦૧૬ સુધીમાં માત્ર ૫,૧૮૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.જૂન ૨૦૨૬ સુધીમાં બાકીની ૧૪,૯૬૫ અરજીઓ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, જે ખેડૂતોના દાવા મંજૂર થયા છે, તેમને પણ વાસ્તવિક ખેડાણના બદલે ખૂબ જ ઓછી જમીન ફાળવીને અન્યાય કરવામાં આવ્યો હોવાનો સંગઠને આક્ષેપ કર્યો છે.





