નવસારી:પ્રથમ વર્ષ MBBSમાં 6 પ્રયાસોની માંગ તેજ: વિદ્યાર્થીઓ-વાલીઓએ સાંસદ મુકેશ દલાલ સમક્ષ કરી રજૂઆત
પ્રથમ વર્ષ MBBSમાં 6 પ્રયાસોની માંગ ઉગ્ર: વિદ્યાર્થીઓ-વાલીઓએ સાંસદ મુકેશ દલાલ સમક્ષ કરી રજૂઆત, NMCને સંવેદનશીલ બનવા અપીલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દેશભરના પ્રથમ વર્ષ MBBSના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલા મહત્વના મુદ્દે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના એક પ્રતિનિધિમંડળે સુરત લોકસભાના સાંસદ અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ના પ્રતિનિધિ સભ્ય મુકેશભાઈ દલાલ સાથે મુલાકાત કરી વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.
રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે નેશનલ મેડિકલ કમિશન અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વર્ષ MBBSના વિદ્યાર્થીઓ માટે માત્ર 4 પ્રયાસમાં પરીક્ષા પાસ કરવાની ફરજિયાત જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે. મેડિકલ અભ્યાસક્રમ દેશના સૌથી કઠિન અભ્યાસક્રમોમાંનો એક ગણાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા, સ્થાનિક ભાષામાં અભ્યાસ કરીને મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવનારા અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આ નિયમ ભારે મુશ્કેલીરૂપ બન્યો છે. અનેક વિદ્યાર્થીઓ માત્ર એક-બે ગુણના અંતરે નિષ્ફળ જતા તેમની કારકિર્દી જોખમમાં મુકાઈ રહી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
આ મુદ્દે રાજસ્થાનના ઉદયપુરના શૈલેન્દ્ર ઉદય અને ગુજરાતના વલસાડ જિલ્લાના કેવલસિંહ તાવીયાડના નેતૃત્વમાં દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમના પ્રયાસોથી વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને વાલીઓ એક મંચ પર આવી વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
પ્રતિનિધિમંડળે સાંસદ મુકેશભાઈ દલાલ સમક્ષ સંસદીય સ્થાયી સમિતિ (SAC)ની ભલામણ ક્રમાંક 5.7.4નો સંપૂર્ણ અમલ કરવાની માંગ કરી હતી. આ ભલામણ મુજબ પ્રથમ વર્ષ MBBSમાં મંજૂર પ્રયાસોની સંખ્યા 4માંથી વધારીને 6 કરવાની તેમજ MBBS અભ્યાસક્રમ પૂર્ણ કરવાની મહત્તમ સમયમર્યાદા 9 વર્ષમાંથી વધારીને 10 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું કે NMC દ્વારા કોર્સ પૂર્ણ કરવાની સમયમર્યાદા 10 વર્ષ સુધી વધારવાની ભલામણ અમલમાં મુકાઈ છે, પરંતુ પ્રથમ વર્ષમાં 6 પ્રયાસોની જોગવાઈ હજુ સુધી અમલમાં આવી નથી. પરિણામે દેશભરના હજારો વિદ્યાર્થીઓ માનસિક તણાવ, અનિશ્ચિતતા અને કારકિર્દી અંગેની ચિંતાનો સામનો કરી રહ્યા છે.
સાંસદ મુકેશભાઈ દલાલે સમગ્ર રજૂઆત ધીરજપૂર્વક સાંભળી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણીને સમજી આ મુદ્દાને કેન્દ્ર સરકાર, આરોગ્ય મંત્રાલય અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવી યોગ્ય રાહત આપવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી.
આ અભિયાનમાં વિદ્યાર્થીઓ અને વાલીમંડળને સુરત ભાજપા આદિવાસી સેલના ભાવેશ પટેલ સહિતના આગેવાનોનો પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ મુદ્દે નવસારી જિલ્લાના યુવા નેતા અને ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે પણ દેશભરના તબીબી વિદ્યાર્થીઓના હિતમાં NMCને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રથમ વર્ષ MBBSમાં માત્ર 4 પ્રયાસોની મર્યાદા અન્ય કોઈ પણ ઉચ્ચ શિક્ષણની શાખામાં જોવા મળતી નથી. જ્યારે દેશની પ્રતિષ્ઠિત અને વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત AIIMSજેવી સંસ્થાઓમાં પણ 6 પ્રયાસોની છૂટ ઉપલબ્ધ છે, ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NMCએ પણ માનવતાવાદી અભિગમ અપનાવી પ્રથમ વર્ષ MBBSમાં 6 પ્રયાસોની જોગવાઈ અમલમાં મૂકવી જોઈએ.
વિદ્યાર્થીઓ અને વાલીઓનું માનવું છે કે SAC સમિતિની ભલામણનો સંપૂર્ણ અમલ થશે તો હજારો વિદ્યાર્થીઓને ન્યાય મળશે, તેમનો માનસિક બોજ ઘટશે અને તેઓ સફળતાપૂર્વક તબીબી શિક્ષણ પૂર્ણ કરીને દેશની આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.




