AHAVADANG

પોળસમાળ ગામે ડેમના બાંધકામમાં ભ્રષ્ટાચાર: લાકડીના પ્રહારથી તૂટી પડ્યું બાંધકામ, ગ્રામજનોમાં ઉઠી તપાસની માંગ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાની કીરલી ગ્રામ પંચાયત હેઠળ આવેલા પોળસમાળ ગામમાં સરકારી યોજના અંતર્ગત ચાલી રહેલા ડેમ ઊંડાણ અને પ્રોટેક્શન વોલ (પાળ બાંધકામ)ના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન કામગીરી થયાના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

ડાંગ જિલ્લા કોંગ્રેસ આઈ.ટી. સેલના પ્રમુખ મનીષ કે. મારકણાએ પોળસમાળ ગામના ગ્રામજનો વતી જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને લેખિત આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક અને તટસ્થ તપાસની માંગ કરી છે.

આવેદનપત્ર મુજબ ડેમ ઊંડાણ અને પ્રોટેક્શન વોલના કામમાં કોન્ટ્રાક્ટર તથા જવાબદાર એજન્સી દ્વારા સરકારી ધોરણોની અવગણના કરીને અત્યંત નબળી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે સિમેન્ટ, રેતી અને કપચીનું યોગ્ય પ્રમાણ જાળવવામાં આવ્યું નથી અને માત્ર ઉપરથી પાતળું પ્લાસ્ટર કરીને કામ પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો છે.

ગ્રામજનોએ રજૂ કરેલા ફોટા અને વીડિયોમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હોવાનું જણાવાયું છે. સામાન્ય લાકડીના પ્રહારથી જ સરકારી બાંધકામનો ભાગ ખરી પડતો જોવા મળ્યો હતો, જ્યારે અંદરથી માત્ર માટી અને પથ્થરો નીકળતા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ચોમાસાની સિઝનમાં પાણીનો સામાન્ય પ્રવાહ પણ આ નબળા બાંધકામને નુકસાન પહોંચાડી શકે છે. જો પાળ અથવા પ્રોટેક્શન વોલ તૂટી પડે તો સરકારના લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળશે તેમજ આસપાસના વિસ્તારમાં જાનમાલના નુકસાનની પણ સંભાવના ઊભી થઈ શકે છે.

ગ્રામજનોએ માંગ કરી છે કે ઉચ્ચ કક્ષાના ટેકનિકલ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ તપાસ કરાવી હકીકતો જાહેર કરવામાં આવે. સાથે જ ગુણવત્તાવિહીન કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝર અને સંબંધિત એન્જિનિયરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આવેદનમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે હાલનું ચૂકવણું તાત્કાલિક અટકાવવામાં આવે, બોગસ કામગીરી બંધ કરાવી સરકારી SDR/SOR ધોરણો મુજબ ગુણવત્તાયુક્ત અને મજબૂત બાંધકામ ફરીથી કરાવવામાં આવે તેમજ ભ્રષ્ટાચાર માટે જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

પોળસમાળ ડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ ડાંગ જિલ્લામાં વિકાસકાર્યોની ગુણવત્તા અને દેખરેખ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જિલ્લા તંત્ર આ ગંભીર રજૂઆત પર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!