
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના પતંજલિ સ્ટોરને એક્સપાયરી અથાણું વેચવું ભારે પડ્યું, ગ્રાહક પંચે ફટકાર્યો રૂ.50 હજારનો દંડ , ફરિયાદીને 4 હજાર ખર્ચ ચૂકવવા પણ આદેશ

મોડાસા : ગ્રાહકને એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલું પતંજલિ કંપનીનું HIMALAYAN Cherry Pepper Pickle વેચવાના મામલે અરવલ્લી જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે મહત્વનો ચુકાદો આપ્યો છે.ગ્રાહકની ફરિયાદ અંશતઃ મંજૂર કરીને સ્ટોર સંચાલક અને કંપની સામે આદેશો કર્યા છે.ફરિયાદી દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019ની કલમ-35 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, 23 એપ્રિલ 2024ના રોજ મોડાસાના પતંજલિ સ્ટોરમાંથી ઓનલાઈન ચુકવણી કરીને અથાણું ખરીદવામાં આવ્યું હતું. જોકે, સ્ટોર દ્વારા ખરીદીની કોઈ રસીદ આપવામાં આવી નહોતી અને ગ્રાહકને આપવામાં આવેલ અથાણાની એક્સપાયરી તારીખ 24 જાન્યુઆરી 2024 હોવાનું સામે આવ્યું હતું.ફરિયાદના સમર્થનમાં ગ્રાહકે અથાણાની તસવીર, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની નકલ તેમજ સામાવાળાઓને મોકલાયેલી નોટિસના પુરાવા રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન સ્ટોર સંચાલક તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો, જ્યારે કંપની તરફથી સમયમર્યાદામાં જવાબ દાખલ ન થતાં તેનો જવાબ રેકોર્ડ પર લેવામાં આવ્યો ન હતો.રેકોર્ડ પર રહેલા પુરાવાઓના આધારે જિલ્લા ગ્રાહક પંચે નોંધ્યું હતું કે ગ્રાહકને એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલું ઉત્પાદન આપવામાં આવ્યું હોવાથી સામાવાળાઓની સેવામાં ખામી તથા અનૈતિક વેપાર પદ્ધતિ સાબિત થાય છે.પંચે સામાવાળાઓને ગ્રાહકને અથાણાની કિંમત રૂ.180 સાત ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા, માનસિક ત્રાસ બદલ રૂ.2 હજાર અને કાનૂની ખર્ચ પેટે રૂ.2 હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત, અનૈતિક વેપાર પદ્ધતિ બદલ રૂ.50 હજારની રકમ ગુજરાત રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિમાં જમા કરાવવાનો હુકમ પણ કર્યો છે.આ ચુકાદાને ગ્રાહક અધિકારોના રક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને ગ્રાહકોને સમયમર્યાદા પૂર્ણ થયેલી વસ્તુઓ વેચવા સામે વેપારીઓ માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે.





