
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : મનરેગાના કામ દરમિયાન બે શ્રમિકો પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી – પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં મનરેગા કામ દરમિયાન બોલાચાલી બાદ મારામારીનો બનાવ, મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં મનરેગા હેઠળ ચાલી રહેલા કામ દરમિયાન બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. ભેમાપુર પાંટા-1ના રહેવાસી ભરતભાઈ મોતીભાઈ કટારાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમની પત્ની સીતાબેન 13 જૂનના રોજ ગામમાં ચાલતા મનરેગાના કામે હાજર હતા.બપોરના સમયે ગામના ભાયાભાઈ રમણભાઈ કટારા અને મહેશભાઈ રમણભાઈ કટારાએ તેઓને કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. વિરોધ કરતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈને જમીન પર પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતાં રૂખીબેન સોમાભાઈ કટારા અને રાકેશભાઈ સોમાભાઈ કટારા દોડી આવી વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.ફરિયાદ મુજબ, જતા જતા આરોપીઓએ ફરી એકલા મળશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મારના કારણે ભરતભાઈને ઈજાઓ થતાં તેઓ અને તેમની પત્નીએ મેઘરજ સરકારી દવાખાને સારવાર લીધી હતી. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા આખરે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




