
દિલ્હીની ટીમે વિજાપુર સુંદરપુર આયુષ્માન આરોગ્ય મંદિરનું કર્યું નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ કર્યું
વિજાપુર, તા.
ગ્રામ્ય આરોગ્ય સેવાઓની ગુણવત્તાને રાષ્ટ્રીય ધોરણો પર પરખવા માટે દિલ્હીની ટીમ દ્વારા વિજાપુર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સુંદરપુર (સબ સેન્ટર) ખાતે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત નેશનલ લેવલનું એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર સતિષભાઈ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. અનચુ વિલ્સન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ એસેસમેન્ટમાં NHSRC, નવી દિલ્હી તરફથી આવેલા ડો. સુમન વશિષ્ટ અને ડો. વંદના ભગત દ્વારા આરોગ્ય કેન્દ્રની વિવિધ સેવાઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સરદારપુર પીએચસી ડો. મોનિકા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. ચિરાગ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તથા આબિદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
એસેસમેન્ટ દરમિયાન સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર-કિશોરી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમો, સામાન્ય અને ચેપી રોગોની સારવાર, ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર જેવા બિનસંચારી રોગોનું નિદાન અને સારવાર, દાંત, કાન-નાક-ગળા તથા માનસિક આરોગ્ય સેવાઓ, વૃદ્ધોની આરોગ્ય સંભાળ અને ઈમરજન્સી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, કેમ્પસ વ્યવસ્થા, હર્બલ ગાર્ડન, બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય ગુણવત્તા માપદંડોની પણ તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા જરૂરી ચેકલિસ્ટ પૂર્ણ કરી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રક્રિયામાં સુંદરપુર આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. સોનલબેન ચોલવિયા, એફ.એચ.ડબલ્યુ. સાકિરાબેન અને એમ.પી.એચ.ડબલ્યુ. વિશાલ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને સ્થાનિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદરપુર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના પ્રયાસરૂપે આ એસેસમેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.




