
ખરોડ માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું સન્માન, શિવાલયોમાં હર હર મહાદેવના નાદ
વિજાપુર તાલુકાના ખરોડ ગામે ધાર્મિક માહોલ વચ્ચે સન્માન સમારોહ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નિતીનભાઈ પટેલ, પૂર્વ સરપંચ મહેશજી ઠાકોર સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખરોડ ગામના રામજી મંદિર ખાતે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ સાથે શિવલિંગ પર જળાભિષેક કરી ભગવાન ભોળાનાથના દર્શન કરવામાં આવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
જળાભિષેક અને પૂજા-અર્ચન દરમિયાન મંદિર પરિસર સહિત સમગ્ર ગામમાં ‘હર હર મહાદેવ’ના નાદ ગૂંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસને લઈ ગામના વિવિધ શિવાલયોમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ પર જળાભિષેક કરી પૂજા કરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન ગ્રામીણ વિસ્તારોના શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા ભોળાનાથ મહાદેવની આરાધના, પૂજા-અર્ચના અને શિવ મહિમાનું ગાન કરવામાં આવ્યું હતુ.


