
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ તેમજ આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કૈલાશ ડિમરી દ્વારા નાસતા-ફરતા, વોન્ટેડ આરોપીઓ અને અનડીટેકટ (ન ઉકેલાયેલા) ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.આ આદેશોને પગલે સાપુતારા પોલીસ સ્ટેશને એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા એક મહિનાથી વણઉકેલાયેલા સાયબર ક્રાઇમના એક ગુનાનો ભેદ ઉકેલીને સાપુતારા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વ્યક્તિના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને સાયબર ગુનો આચરવામાં આવ્યો હતો. આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૭૮(૧)(ii) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ-૬૬(સી) અને ૬૭ મુજબ ગુનો નોંધાયો હતો.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.કે.બી.સાંખલાની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિજયભાઈ મુકુંદભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૬, રહે. પીપલપાડા (ગલકુંડ), તા. આહવા, જી. ડાંગ) ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..





